Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણના બળધોઈ ગામે ૩ નવા બ્રિજનાં કામનું ખાતમુહૂર્ત કર્યું

તા.૧૩/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
૩.૫૦ કરોડનાં ખર્ચે આકાર પામનારા ૩ બ્રિજથી લોકોને ચોમાસામાં પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે
Rajkot, Jasdan: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના બળધોઈથી મોટા દડવા રોડ પર રૂ.૩.૫૦ કરોડના ખર્ચે બનનારા ૩ નવા બ્રિજનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
બળધોઈ ગામે યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગ્રામજનોને આ તકે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ પુલ નિર્માણ પામ્યા બાદ ગામલોકોની સુવિધામાં વધું એક મોતી ઉમેરાશે.
તેમજ આ પ્રોજેક્ટથી બળધોઈ અને મોટા દડવા વિસ્તારના ગ્રામજનો તથા વાહનચાલકોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળશે અને વાહનવ્યવહાર વધુ ઝડપી તેમજ સુરક્ષિત બનશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારની સુખાકારી માટે સરકાર કટિબદ્ધ છે.આરોગ્ય, શિક્ષણ ઉપરાંત રોડ-રસ્તા, સિંચાઈ સહિત જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા ગામડાઓની શોભા વધે તેવા વિકાસનાં કામો કરવામાં આવી રહ્યાં છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનનારા ત્રણેય પુલનું નિર્માણ કાર્ય ૧૦ મહિનામાં પુર્ણ કરાશે. તેમા મજબૂત એપ્રોચ રોડ, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિચર સાથે કામ પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ વિસ્તારમાં રસ્તા અને બ્રિજ નેટવર્કને વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવામાં આવી રહ્યાં છે. ગ્રામ વિકાસને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ તકે કેન્દ્ર અને રાજ્ય સરકારની કાર્યરત કલ્યાણકારી યોજનાઓથી ગામલોકોને વાકેફ કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ગામડાઓ શહેર સમોવડા બને, પાયાની તમામ જરૂરિયાતો ગામમાં જ ઉપલબ્ધ થાય તે માટે ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ સહિત સુવિધાથી ગામડાઓને સજ્જ કરવામાં આવી રહ્યાં છે.
આ તકે તેમણે જસદણ અને વિંછીયાનાં વિસ્તારોમાં કાર્યરત વિકાસનાં કામો તથા આગામી સમયમાં યોજનાર કામોની વિસ્તૃત જાણકારી પણ આપી હતી.
આ તકે અગ્રણી શ્રી નિલેશભાઈ હિરપરા, શ્રી હરેશભાઈ કચ્છી, શ્રી મુકેશભાઈ મેર, તાલુકા પંચાયતશ્રીના પ્રમુખ શ્રી ભાવનાબેન વેકરીયા શ્રી ચંકીતભાઈ રામાણી, શ્રી રાજુભાઈ માલકીયા તેમજ વિવિધ ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.







