GUJARATIDARSABARKANTHA

હર ઘર તિરંગા-૨૦૨૬’ અભિયાન અંતર્ગત સાબરકાંઠાની શાળાઓમાં દેશભક્તિના રંગો સાથે રંગોળી સ્પર્ધા

‘હર ઘર તિરંગા-૨૦૨૬’ અભિયાન અંતર્ગત સાબરકાંઠાની શાળાઓમાં દેશભક્તિના રંગો સાથે રંગોળી સ્પર્ધા

આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા-૨૦૨૬’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓની શાળાઓમાં વિદ્યાર્થિનીઓ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી સુંદર રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી.

શાળાઓના પ્રાંગણમાં વિદ્યાર્થીઓએ તિરંગાના ત્રણ રંગો ઉપરાંત રાષ્ટ્રધ્વજ, ભારત માતા, દેશભક્તિના સંદેશાઓ, રાષ્ટ્રીય પ્રતીકો તેમજ ‘હર ઘર તિરંગા’ના સંદેશને કેન્દ્રમાં રાખી વિવિધ આકર્ષક રંગોળીઓ બનાવી હતી. રંગોળી દ્વારા વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા સાથે રાષ્ટ્રપ્રેમ, એકતા, અખંડિતતા અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.

‘હર ઘર તિરંગા-૨૦૨૬’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને સન્માનની ભાવના વધુ મજબૂત કરવાનો તેમજ સ્વાતંત્ર્ય પર્વને જનભાગીદારી સાથે ઉજવવાનો છે. શાળાઓમાં યોજાયેલી આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ થકી નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં ‘હર ઘર તિરંગા-૨૦૨૬’ અભિયાનને જનભાગીદારી સાથે સફળ બનાવવાના હેતુથી શાળાઓ, સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ દેશભક્તિસભર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના નાગરિકોને પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ પોતાના ઘર-આંગણે તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ કરવા અપીલ કરવામાં આવે છે

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!