GANDHINAGAR :PIB દ્વારા ગાંધીનગરમાં ક્રિએટિવ પ્રોડક્શન, મીડિયા અને ટેલિવિઝન માટે AI ના ઉપયોગ પર “વાર્તા” મીડિયા વર્કશોપનું આયોજન

GANDHINAGAR :PIB દ્વારા ગાંધીનગરમાં ક્રિએટિવ પ્રોડક્શન, મીડિયા અને ટેલિવિઝન માટે AI ના ઉપયોગ પર “વાર્તા” મીડિયા વર્કશોપનું આયોજન
મીડિયા અને સમાચાર ક્ષેત્રે AI સંશોધન અને કાર્ય ઝડપી બનાવશે, પરંતુ માનવ નિર્ણય, સચ્ચાઈ અને વિશ્વસનીયતા જ સૌથી મહત્વપૂર્ણ રહેશે: વિષય નિષ્ણાતો
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, કલેક્ટર રવિન્દ્ર ખતાલે, PIB ના ડીજી પ્રશાંત પાઠરાબે અને વિષય નિષ્ણાતો જોસેફ જોશી તથા ઉન્મેશ દીક્ષિતે માર્ગદર્શન આપ્યું
પોસ્ટેડ ઓન: 13 AUG 2026 3:59PM by PIB Ahmedabad
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB), અમદાવાદ દ્વારા ગાંધીનગર ખાતે “વાર્તા” કાર્યક્રમ હેઠળ એક વિશેષ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય વિષય “ક્રિએટિવ પ્રોડક્શન અને મીડિયા અને ટેલિવિઝન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ” હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર, ગાંધીનગરના કલેક્ટર, PIBના મહાનિદેશક તેમજ ક્ષેત્રના અગ્રણી વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, આજનો સમય ટેકનોલોજીનો છે અને AI હવે માત્ર આઈટી ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. મીડિયા, પત્રકારત્વ, ટેલિવિઝન, ફિલ્મ, ડિજિટલ કન્ટેન્ટ, વિડીયો પ્રોડક્શન અને સોશિયલ મીડિયા જેવા દરેક ક્ષેત્રમાં AI નવી શક્યતાઓ ઊભી કરી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ‘ઇન્ડિયા AI મિશન’ જેવી પહેલો દ્વારા ભારત ટેકનોલોજીને નવીનતા અને વિકાસનું સાધન બનાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાએ ઝડપની સાથે સાથે ખોટી કે ભ્રામક માહિતી સામે સત્ય, વિશ્વસનીયતા અને જવાબદારી જાળવી રાખવી ખૂબ જરૂરી છે. તેમણે સમાચારની તથ્ય ચકાસણીના મહત્વ પર પણ ભાર મૂક્યો અને જણાવ્યું કે ચકાસણી વિનાની અથવા ભ્રામક માહિતી સમાજમાં નકારાત્મકતા ફેલાવી શકે છે તેથી તેને ટાળવી જરૂરી છે.
ગાંધીનગરના કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેએ લોકશાહીના ચાર સ્તંભો (એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર, જ્યુડિશિયરી અને મીડિયા) વચ્ચેના ‘ચેક એન્ડ બેલેન્સ’ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, મીડિયા સમાજમાં એક તટસ્થ નિરીક્ષક તરીકે કામ કરે છે. અગાઉના સમયમાં ગહન સંશોધન અને આર્ટિકલ્સ લખવા માટે કલાકો સુધી પુસ્તકો અને ડેટા ચકાસવો પડતો હતો, પરંતુ AI ટૂલ્સના કારણે આ સંશોધન હવે ગણતરીની મિનિટોમાં શક્ય બન્યું છે. AI ના કારણે પત્રકારોનો બિન-ઉત્પાદક સમય બચશે, જેથી તેઓ રચનાત્મક પાસાઓ અને સમાજ સુધી સાચો સંદેશ પહોંચાડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. તેમણે મીડિયાને કટિંગ-એજ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનું કૌશલ્ય અપગ્રેડ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
PIB અમદાવાદના ડાયરેક્ટર જનરલ શ્રી પ્રશાંત પાઠરાબેએ વ્યવહારુ ઉદાહરણો આપતા સમજાવ્યું હતું કે, પ્રેસ કોન્ફરન્સના વિડીયો, સ્પીચ અને બેકગ્રાઉન્ડર જેવા ઈનપુટ્સ AI માં ફીડ કરીને રોજની ન્યૂઝ સ્ટોરી ફાઈલ કરવાનું કામ ખૂબ સરળ અને ઝડપી બનાવી શકાય છે. સંશોધન, રેટિંગ, લેખન અને સ્પોર્ટ્સ કે ઈવેન્ટ્સની હિસ્ટ્રી શોધવામાં AI સર્ચ સામાન્ય ગૂગલ સર્ચ કરતાં વધુ સચોટ અને બહેતર આઉટપુટ આપે છે. તેમણે જણાવ્યું કે, PIB દ્વારા યોજાયેલી આ કાર્યશાળાનો હેતુ મીડિયાના મિત્રોને અનુભવી ટ્યુટોરિયલ્સ અને વિડીયો દ્વારા TV પ્રોડક્શન, એનિમેશન અને ફિલ્મ્સમાં AI ના ઉપયોગની પ્રેક્ટિકલ સમજ આપવાનો છે.
વર્કશોપના પ્રથમ વિષય નિષ્ણાત શ્રી જોસેફ જોશી (ચીફ ટેકનોલોજી ઓફિસર, IFSCA) એ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષોની સરખામણીએ ન્યૂઝરૂમની કાર્યશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. સંશોધન, સમરાઈઝેશન, ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન, એડિટિંગ અને આઈડિયા જનરેશનમાં AI નો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. પત્રકારનું મૂળ કૌશલ્ય હવે માત્ર ‘ટાઇપિંગ સ્પીડ’ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ હવે માનવ ક્ષમતાઓ જેમ કે – જજમેન્ટ (નિર્ણય શક્તિ), વેરિફિકેશન (સત્યાપન) અને ઓરિજિનાલિટી (મૂળભૂતતા) સૌથી આગળ આવી ગઈ છે. તેમણે “હેલ્યુસિનેશન” જેવા ખ્યાલોનો ઉલ્લેખ કરીને ચેતવણી આપી હતી કે AI દ્વારા મળતી તમામ માહિતી 100% સાચી નથી હોતી, તેથી કન્ટેન્ટનું સત્યાપન કરવું અત્યંત અનિવાર્ય છે.
બીજા વિષય નિષ્ણાત શ્રી ઉન્મેશ દીક્ષિત (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન – AMA) એ AI ની મર્યાદાઓ અને માનવીય મૂલ્યો વિશે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જિજ્ઞાસા, જવાબદારી, વિવેકબુદ્ધિ, સંદર્ભ અને સંવેદના જેવા ગુણો માત્ર માનવીઓમાં જ છે, AI માં નહીં. ટેકનોલોજીકલ ઈમોજી અને વાસ્તવિક માનવીય સંવેદનાઓ વચ્ચે મોટો તફાવત છે. તેમણે AI નો અર્થ ‘આર્ટિફિશિયલ’ અને ‘ઓલ્ટરનેટ’ તરીકે સમજાવતા કહ્યું કે, ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ તે માનવીય લાગણીઓ અને વાસ્તવિકતાનો વિકલ્પ બની શકે નહીં.
આ કાર્યશાળામાં ગાંધીનગરનાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સહભાગીઓએ પોતાના પ્રશ્નો પૂછીને AI ના વ્યવહારુ ઉપયોગ અંગે ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.













