ઘરમાં પત્તા રમવા ગુનો નથી, જ્યાં સુધી તેમાં ‘નફાનું તત્ત્વ’ સાબિત ન થાયઃગુજરાત હાઇકોર્ટ

કોઈ વ્યક્તિગત ઘરમાં પત્તા રમવા એ ‘ગુજરાત પ્રિવેન્શન ઑફ ગેમ્બલિંગ ઍક્ટ, 1887′(જુગાર ધારો) હેઠળ ગુનો બનતો નથી. સિવાય કે તે સ્થળ ‘કોમન ગેમિંગ હાઉસ’ તરીકે ચલાવાતી હોય અને તેમાંથી કોઈ આર્થિક લાભ કે નફો મેળવવામાં આવતો હોય.
વર્ષ 2018માં અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પોલીસ દ્વારા દરોડો પડાયો હતો. પોલીસને બાતમી મળી હતી કે ત્યાં જુગાર રમાઈ રહ્યો છે. આ દરોડામાં પોલીસે 5 વ્યક્તિને પત્તાં રમતાં પકડી પાડી હતી અને તેમની પાસેથી રોકડ રકમ તેમજ પત્તા કબજે કર્યા હતા. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં આરોપીઓએ હાઇકોર્ટમાં FIR રદ કરવા માટે અરજી કરી હતી. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે, કોઈના ખાનગી ઘરમાં પત્તા રમવા માત્રથી તે ‘કોમન ગેમિંગ હાઉસ’ (જુગારધામ) ગણાઈ જતું નથી.
આ અંગે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પી. એમ. રાવલની કોર્ટે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, આ પ્રકારની બાબતને ગુનો સાબિત કરવા તેમાં નફાનું તત્ત્વ જરૂરી છે. કાયદા હેઠળ કોઈ સ્થળને ‘કોમન ગેમિંગ હાઉસ’ (જુગારનો અડ્ડો) ત્યારે જ કહી શકાય, જ્યારે તેનો માલિક કે કબજેદાર ત્યાં પત્તા રમવા માટે કોઈ ચાર્જ વસૂલતો હોય અથવા તેમાંથી આર્થિક નફો કે લાભ મેળવતો હોય. લોકો ઘરમાં પત્તા રમે છે અને કદાચ પૈસા માટે રમે છે, તેટલી જ બાબત કોઈ ઘરને ‘કોમન ગેમિંગ હાઉસ’ કે જુગારનો અડ્ડો બનાવી દેતી નથી.
પોલીસની ફરિયાદમાં આવી કોઈ સ્પષ્ટતા કે પુરાવા નહોતા કે જે સાબિત કરી શકે કે તે ઘરને નફાના હેતુથી જુગારના એક અડ્ડા તરીકે ચલાવાતું હતું.
કોર્ટે પોલીસ દ્વારા જે રીતે સર્ચ વોરન્ટ મેળવાયું હતું, તેના પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પોલીસને બાતમી મળી અને માત્ર 23 મિનિટમાં વોરન્ટ મેળવીને દરોડો પડાયો. કોર્ટે કહ્યું કે આ ઉતાવળ દર્શાવે છે કે સક્ષમ અધિકારીએ પૂરતી તપાસ કર્યા વગર અને મગજ વાપર્યા વગર જ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. એટલું જ નહીં, FIRમાં ક્યાંય ‘જુગાર ખાના’ શબ્દનો ઉલ્લેખ નથી અને માત્ર ઘરમાં પત્તા અને રોકડ મળી આવવાથી તેને જુગારનો અડ્ડો માની શકાય નહીં.
આ અંગે ગુજરાત હાઇકોર્ટે કાયદાકીય જોગવાઈઓને ટાંકીને જણાવ્યું હતું કે, જો ફરિયાદમાં તે જગ્યા ‘કોમન ગેમિંગ હાઉસ’ હોવાનો પુરાવો કે દલીલ ન હોય, તો માત્ર ખાનગી ઘરમાં પત્તા રમવાને કારણે જુગાર ધારાની કલમો લાગુ કરી શકાય નહીં. આ સાથે જ કોર્ટે આરોપીઓ સામેની FIR અને તેની કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે, ખાનગી મિલકતમાં મિત્રો કે પરિવાર સાથે પત્તા રમવા જેવી પ્રવૃત્તિઓ કાયદાની નજરમાં ત્યાં સુધી ગુનો નથી જ્યાં સુધી તેમાં નફો મેળવવાનો ઇરાદો ન હોય.





