BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: પાલેજમાં ચિકન રોલ આરોગ્યા બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમ્યાન મોત, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ શરૂ કરી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના પાલેજ એસ.કે.નગર ખાતે રહેતા અંકિતભાઈ દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વ કુમાર ધોરણ-6માં અભ્યાસ કરતો હતો અને સાસરોદ ગામે અભ્યાસ માટે રહેતો હતો. ફરિયાદ મુજબ, ગત તા. 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વ કુમાર અને તેની બહેન મોનિકા પાલેજ આમલી સ્ટેન્ડ પાસે આવેલી એક હોટલમાંથી ચિકન રોલ લઈ ઘરે ગયા હતા. ચાર ચિકન રોલ પરિવારના ચાર સભ્યો પુત્ર કુમાર, તેની બહેન, માતા અને પિતાએ ખાધા હતા.
ભોજન લીધા બાદ બીજા જ દિવસે ચારેયની તબિયત લથડી હતી અને ઝાડા-ઉલટી શરૂ થઈ હતી. રવિવાર હોવાથી પરિવારજનોએ શરૂઆતમાં સારવાર કરાવી નહોતી ત્યારબાદ તા. 10 ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન પૂર્વ કુમારની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી પણ તેની ગંભીર સ્થિતિને પગલે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો ત્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ પરિવારની આશાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યાર સારવાર દરમિયાન પૂર્વ કુમારનું મોત નીપજ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આ અંગે પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!