BANASKANTHAGUJARATPALANPUR

હરિયાળા ગુજરાતના નિર્માણ માટે ‘ગ્રીન અરાવલી’ અભિયાન: ​વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં ‘મેગા પ્લાન્ટેશન-૨૦૨૬’ યોજાયો

14 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

“એક પેડ માઁ કે નામ-3.0” અને “ગ્રીન અરાવલી” અભિયાન અંતર્ગત ​‘એક વૃક્ષ, એક સંકલ્પ’: અંબાજી ખાતે પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિના સંદેશ સાથે ‘મેગા પ્લાન્ટેશન’ સંપન્ન વૃક્ષો વાવીને પ્રકૃતિની સેવા કરવી એ જ માં અંબાની સાચી ભક્તિ અને પૂજા સમાન: વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અંબાજી અને ગબ્બરને ‘ગ્રીન ગબ્બર’ બનાવી હરિયાળા ગુજરાતનું નિર્માણ કરાશે:  મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તેમજ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર વિભાગના રાજ્યમંત્રીશ્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં “એક પેડ માઁ કે નામ-3.0” (એક વૃક્ષ, એક સંકલ્પ, હરિયાળું ગુજરાત આપણું લક્ષ્ય) તથા “ગ્રીન અરાવલી” અભિયાન અંતર્ગત અંબાજીમાં અરાવલી પર્વત, ગબ્બર રોડ ખાતે “મેગા પ્લાન્ટેશન-૨૦૨૬” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને અરાવલી પર્વતમાળાની હરિયાળી જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને નવી પેઢી પણ વૃક્ષારોપણના આ અભિયાન સાથે જોડાય તે માટે જંગલ વિસ્તાર સુધી પહોંચી કાર્ય કરી રહેલા મીડિયાના મિત્રો, માતાઓ-બહેનો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં જોડાયેલા સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું. આજે સૌને એવું લાગવું જોઈએ કે આ કામ માત્ર સરકાર કે વન વિભાગનું નહીં, પરંતુ આપણું પોતાનું કામ છે. માં અંબાના ખોળામાં, ગબ્બરના ગોપમાં બિરાજમાન માતાજીની નજર આપણા સૌ ઉપર છે ત્યારે વૃક્ષો વાવીને પ્રકૃતિની સેવા કરવી એ પણ માતાજીની સાચી સેવા અને પૂજા સમાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ, રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મંત્રીશ્રી અર્જુનભાઈ અને પ્રવીણભાઈ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા આ અભિયાનમાં પ્રજાને જોડવાનું કાર્ય ખૂબ જ સરાહનીય છે. બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણનો લક્ષ્યાંક વધારીને વિસ્તારને હરિયાળો બનાવવા માટે જિલ્લા તંત્ર અને વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પણ અભિનંદનને પાત્ર છે.અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમ, સ્વાસ્થ્ય, ખુશહાલી અને આવનારી પેઢીના જીવન માટે અત્યંત જરૂરી છે. વૃક્ષોની સાથે જળ પણ જોડાયેલું છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં વાદળો અટકીને વરસાદ વરસાવે છે અને અહીં પડતો વરસાદ બનાસકાંઠા સહિત મેદાન પ્રદેશમાં કૃષિ, પશુપાલન અને માનવજીવન માટે ઉપયોગી બને છે. આ વિસ્તારનું પાણી આગળ સાબરમતી સુધી પહોંચે છે અને ભૂગર્ભ જળના સંવર્ધનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે, પર્યાવરણ સંરક્ષણનું કામ માત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું છે એવું ન માનીએ, પરંતુ તેને આપણા જીવનનું સૌથી અગત્યનું કર્તવ્ય સમજી સૌએ સહભાગી થવું જોઈએ. નહીં તો સિમેન્ટના જંગલો ઊભા થશે, પરંતુ શુદ્ધ હવા અને જીવન માટે જરૂરી કુદરતી સંસાધનોનો અભાવ સર્જાશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અરવલ્લીની ગિરિમાળાઓને હરિયાળી બનાવવાનો સંકલ્પ અનેક પેઢીઓને આશા આપનાર છે. આજનો કાર્યક્રમ માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ હૃદયથી જોડાવાનો કાર્યક્રમ છે. હજારોની સંખ્યામાં જોડાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ, વન વિભાગની ટીમ તથા જિલ્લા તંત્ર અને મંત્રીશ્રીને તેમણે હૃદયપૂર્વક અભિનંદન પાઠવી સૌને ‘બોલ મારી અંબે’ના જયઘોષ સાથે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પમાં જોડાવા આહ્વાન કર્યું હતું.વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ અને જંગલ વચ્ચેનો સંબંધ વર્ષોથી અતૂટ રહ્યો છે. જંગલ સંરક્ષણની સાથે આદિવાસી સમાજને રોજગારી અને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવવાની દિશામાં વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આદિવાસી પરિવારોને સ્થાનિક સ્તરે જ કામ અને રોજગારી મળી રહે તે માટે આંગણવાડી, મંડપ, સોલાર લાઈટ, ગ્રામ બેઠકના ઓટલા, આરસીસી રોડ, શૌચાલય, સેવાકીય સુવિધાઓ, લાઈબ્રેરી, સ્મશાનભૂમિ તથા મંદિર આસપાસના વિકાસકાર્યોમાં સ્થાનિક આદિવાસી કારીગરો અને શ્રમિકોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ અંતર્ગત ૭૭ ગામોના આદિવાસી ભાઈ-બહેનોના ક્લસ્ટર માટે  સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત, કુદરતી ખેતીની પેદાશો, શાકભાજી, ફૂલો, મધ ઉદ્યોગ, પાપડ, વર્મી કમ્પોસ્ટ સહિતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ૧૫૪ સ્વસહાય જૂથોના ક્લસ્ટરને પણ આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આદિવાસી સમાજને સક્ષમ બનાવીને જંગલ સંરક્ષણમાં તેમની સહભાગિતા વધારવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગબ્બર વિસ્તાર સહિત બનાસકાંઠાના જંગલ અને ડુંગરાળ વિસ્તારોને હરિયાળા બનાવવાની દિશામાં વ્યાપક વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે. વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વનરક્ષકો અને શ્રમિકો દ્વારા દુર્ગમ વિસ્તારોમાં ખાડા કરી વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી રહી છે, જે પ્રશંસનીય છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત લોકો વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સંરક્ષણમાં જોડાઈ રહ્યા છે. ગબ્બરને ‘ગ્રીન ગબ્બર’ બનાવવાની સાથે કુદરતી પર્યાવરણ અને જૈવવિવિધતાનું જતન કરવાનું પણ મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં ૫૧ શક્તિપીઠોને ધ્યાનમાં રાખીને ૫૧ લાખ વૃક્ષોના વાવેતરનું લક્ષ્ય નક્કી કરી તે દિશામાં આગળ વધવા સૌને આહ્વાન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ માટે સરકાર, વન વિભાગ અને જનભાગીદારીના સંકલિત પ્રયાસોથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવામાં આવશે.આ પ્રસંગે વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ જાળવણી, અરાવલી પર્વતમાળાના સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. “એક વૃક્ષ, એક સંકલ્પ”ના ભાવ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં વૃક્ષારોપણ તથા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવા અને જનભાગીદારી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધ્યક્ષશ્રી પ્રશાંત સુંબે, વન વિભાગના અધિકારીશ્રી – કર્મચારીઓ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ, સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!