
રાજપીપળા એઆરટીઓ કચેરીની સઘન ચેકિંગ ડ્રાઇવ: જુલાઇ મહિનામાં 650 કેસ થકી રૂપિયા 11.49 લાખના દંડની વસૂલાત
રાજપીપળા : જુનેદ ખત્રી
માર્ગ સલામતી અને વાહન વ્યવહારના નિયમોનું અસરકારક પાલન થાય તે હેતુથી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજપીપળાના ચેકિંગ અધિકારીઓ દ્વારા જુલાઇ-2026 દરમિયાન સઘન વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન વિવિધ પ્રકારના ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 650 કેસો નોંધવામાં આવ્યા હતા, જેમાં કુલ રૂપિયા 11,49,500નો દંડ વસુલવામાં આવ્યો હતો.
જુલાઇ માસ દરમિયાન કરવામાં આવેલી કામગીરીમાં ઓવરલોડિંગ (OL)ના 54 કેસોમાં રૂ.5,50,000, ઓવર ડાયમેન્શન/ODCના 48 કેસોમાં રૂ.1,60,000, હેલ્મેટના નિયમના ભંગ બદલ 26 કેસોમાં રૂ.13,000 તથા સીટબેલ્ટના નિયમના ભંગ બદલ 20 કેસોમાં રૂ.10,000નો દંડ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પાર્કિંગ નિયમોના ભંગ બદલ 184 કેસોમાં રૂ.98,500 તેમજ રોડ સેફ્ટી સંબંધિત નિયમોના ભંગ બદલ 318 કેસોમાં રૂ.3,18,000નો દંડ કરવામાં આવ્યો હતો.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજપીપળા દ્વારા હાથ ધરાયેલી આ એન્ફોર્સમેન્ટની કામગીરીનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવા, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તેમજ નિયમોનું પાલન કરાવવાનો છે. વાહનચાલકો દ્વારા હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, યોગ્ય પાર્કિંગ તથા ઓવરલોડિંગ જેવા નિયમોના પાલન થકી માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય છે.
આમ, જુલાઇ-2026 દરમિયાન એઆરટીઓ વિભાગની સઘન ચેકિંગ કામગીરીના પરિણામે કુલ 650 કેસોમાં રૂ.11.49 લાખનો દંડ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને ટ્રાફિક અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરી પોતાની તેમજ અન્ય માર્ગ વપરાશકારોની સલામતી જાળવવા અપીલ કરવામાં આવી છે




