નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ ખાતેના જિલ્લા રમત સંકુલની લીધી મુલાકાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ ખાતેના જિલ્લા રમત સંકુલની લીધી મુલાકાત
તાહિર મેમણ : 14/08/2026 – ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે આણંદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. ત્યારબાદ આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આણંદ ખાતે રૂપિયા ૨૨.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ અને વિવિધ આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ જિલ્લા રમત સંકુલની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ રમત સંકુલમાં તૈયાર કરાયેલા બેડમિન્ટન કોર્ટ ખાતે ઉપસ્થિત યુવા ખેલાડીઓ સાથે રૂબરૂ સંવાદ સાધ્યો હતો અને તેમની સાથે બેડમિન્ટન રમીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે સંકુલમાં ખેલાડીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવેલી વિવિધ અદ્યતન સુવિધાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને આ સ્પોર્ટ સંકુલનો ઉપયોગ વધુમાં વધુ રમતવીરો કરે તે માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નિર્દેશ હેઠળ આણંદ ખાતે વિવિધ માળખાકીય સુવિધાઓ સાથે રૂ. ૨૨.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા રમત સંકુલમાં અત્યાધુનિક ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ (બેડમિન્ટન સહિતની વિવિધ ઇન્ડોર રમતો માટે), ખો-ખો કોર્ટ અને કબડ્ડી કોર્ટ, સિન્થેટીક/આધુનિક ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, વિશાળ હોકી ગ્રાઉન્ડ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત સંકુલમાં આંતરિક રોડ-રસ્તા, પેવર બ્લોક વર્ક, સુવ્યવસ્થિત પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ, ઈરીગેશન નેટવર્ક, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, બાહ્ય વોટર સપ્લાય, હાઇમાસ્ટ અને સ્ટ્રીટ લાઇટ્સ, પર્કોલેશન વેલ, બોરવેલ, મજબૂત કમ્પાઉન્ડ વોલ, સિક્યોરિટી કેબિન, મુખ્ય પ્રવેશ દ્વાર તથા બાહ્ય ટોઇલેટ બ્લોકની સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવાઇ છે.
આ પ્રસંગે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહીડા, સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આર.એન.ડોડિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, જિલ્લા રમત-ગમત વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક અગ્રણી આગેવાનો સહિત મોટી સંખ્યામાં રમતવીરો, ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.





