
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
RBSK યોજના બનેલી સંજીવની: મુન્દ્રાના ૧૪ વર્ષીય ભગીરથને મળ્યું નવજીવન, હૃદયની નિઃશુલ્ક સારવાર સફળ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અને જિલ્લા આરોગ્ય તંત્રના સતત પ્રયાસોથી ભુજપુરના બાળકની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સફળ સર્જરી; બાળક હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ શાળાએ જઈ રહ્યો છે
મુંદરા, તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૬:
ગુજરાત સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સમયસરના નિદાન, યોગ્ય માર્ગદર્શન અને સતત ફોલોઅપના પરિણામે મુન્દ્રા તાલુકાના જન્મજાત હૃદયરોગથી પીડાતા એક ૧૪ વર્ષીય બાળકને નવું જીવન મળ્યું છે. સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર બાદ આજે આ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઈને અન્ય બાળકોની જેમ પોતાની શાળાએ જઈ રહ્યો છે.
ઘટનાની વિગત મુજબ, મુન્દ્રા મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા AJS હાઈસ્કૂલ ખાતે શાળકીય આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજાયો હતો. આ તપાસ દરમિયાન ભુજપુર ગામના ૧૪ વર્ષીય વિદ્યાર્થી ભગીરથ મેઘરાજ ગઢવીમાં જન્મજાત હૃદયરોગ (Congenital Heart Disease) હોવાની શંકા જણાઈ હતી. RBSKની ટીમે તાત્કાલિક શાળાના આચાર્યશ્રી અને બાળકના વાલીનો સંપર્ક કર્યો હતો.
શરૂઆતમાં રોગની ગંભીરતાથી અજાણ હોવાને કારણે પરિવારે વધુ તપાસ માટે ખચકાટ અનુભવ્યો હતો. પરંતુ RBSKના મેડિકલ ઓફિસર અને ટીમ દ્વારા પરિવારને ખૂબ જ ધીરજપૂર્વક રોગની ગંભીરતા, સમયસર સારવારનું મહત્વ અને સરકાર દ્વારા મળતી તદ્દન નિઃશુલ્ક સારવારની યોજનાઓ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. મિતેશ ભંડેરી, RCHO ડૉ. દિનેશ પટેલ તથા તાલુકા હેલ્થ ઓફિસર (THO) ડૉ. મેહુલ બલદાણીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા અને RBSK ટીમે પરિવાર સાથે સતત સંકલન જાળવી રાખ્યું હતું. તબીબી ટીમના આ ભગીરથ પ્રયાસોના પરિણામે બાળકને અમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ યુ. એન. મહેતા હૃદયરોગ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો, જ્યાં નિષ્ણાત તબીબો દ્વારા હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ઓપરેશન બાદ પણ RBSK ટીમે પોતાની નૈતિક ફરજ નિભાવી બાળકના ઘરે જઈને નિયમિત ફોલોઅપ લીધું હતું અને તેના સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખી હતી. આજે ભગીરથ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને સામાન્ય દિનચર્યા સાથે શાળાએ જઈ રહ્યો છે.
બાળકને નવજીવન મળતાં પરિવારજનોએ અત્યંત ભાવુક બની RBSK ટીમ, તબીબો અને જિલ્લા આરોગ્ય વિભાગનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, “સરકારી ટીમની સમયસરની જાગૃતિ અને માર્ગદર્શનના કારણે જ આજે અમારું બાળક સુરક્ષિત અને સ્વસ્થ છે.”
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




