BANASKANTHAGUJARATPALANPUR

રાહ ખાતે વાવ-થરાદ જિલ્લાના પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી

15 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને આપી સલામી
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા અધ્યક્ષશ્રીનું આહ્વાન
રાહના વિકાસકાર્યો માટે વિધાનસભાના અધ્યક્ષશ્રીએ રૂ. ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક કલેક્ટરશ્રીને અર્પણ કરાયો.અધ્યક્ષશ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોનું સન્માન; વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
વાવ-થરાદની વિકાસયાત્રા સરહદી વિસ્તારની સમૃદ્ધિનો નવો અધ્યાય લખશે : વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
વાવ-થરાદ જિલ્લાના નવરચિત રાહ તાલુકા ખાતે દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર નામી-અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરી તેમને નમન કર્યું હતું. સાથે જ દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનો, ખેડૂતો, પશુપાલકો, માતાઓ-બહેનો અને યુવાનોના રાષ્ટ્ર નિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.
અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા આપણને વારસામાં મળી છે, પરંતુ વિકસિત ભારતનું નિર્માણ કરવાની જવાબદારી આપણી પેઢીની છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. પાણી, વીજળી અને રસ્તા માત્ર સુવિધાઓ નથી, પરંતુ વિકાસની પાયાની શરતો છે. નર્મદા કેનાલ, સુજલામ્-સુફલામ્ યોજના, જ્યોતિગ્રામ યોજના અને વિવિધ માળખાકીય વિકાસ કાર્યોએ ઉત્તર ગુજરાત તથા સરહદી વિસ્તારોના સામાજિક અને આર્થિક જીવનમાં મોટું પરિવર્તન લાવ્યું છે. ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, શ્રમિકો, મહિલાઓ, યુવાનો અને ઉદ્યોગ સાહસિકોની મહેનત રાજ્યની વિકાસ યાત્રાની મુખ્ય શક્તિ બની છે.અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, વાવ-થરાદની ધરતી વિકાસની સાથે રાષ્ટ્ર સેવાની પણ ધરતી છે. સરહદ પર તૈનાત આપણા જવાનો દેશની રક્ષા કરે છે, જ્યારે સરહદ નજીકના ખેડૂતો પોતાના ખેતરમાં પરસેવો વહાવી દેશની અન્ન સુરક્ષામાં યોગદાન આપે છે. નડાબેટ ખાતેનો ‘સીમા દર્શન’ પ્રોજેક્ટ માત્ર પ્રવાસન સ્થળ નહીં, પરંતુ રાષ્ટ્રભક્તિ જગાડતું જીવંત કેન્દ્ર બન્યો છે. ભારતમાલા પ્રોજેક્ટના આધુનિક હાઈવે નેટવર્ક, નાણી ખાતે આકાર લઈ રહેલા એરફોર્સ બેઝ અને એરપોર્ટ તેમજ માર્ગ, પાણી અને અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસથી સમગ્ર સરહદી વિસ્તારમાં કનેક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિ અને સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થશે.નવરચિત વાવ-થરાદ જિલ્લાની વિકાસયાત્રા અંગે અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસે બનાસકાંઠામાંથી અલગ વાવ-થરાદ જિલ્લાની રચના સાથે નવરચિત રાહ અને ધરણીધર તાલુકાઓની રચના સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસની દિશામાં ઐતિહાસિક પગલું છે. એક સમયે સરકારી કામકાજ માટે લોકોને દૂર પાલનપુર સુધી જવું પડતું હતું, જ્યારે આજે સુશાસનનો વહીવટ લોકોના ઘરઆંગણે પહોંચ્યો છે. વાવ-થરાદ જિલ્લાની રચના બાદ જિલ્લાનું પ્રથમ સ્વાતંત્ર્ય પર્વ નવરચિત રાહ તાલુકા ખાતે ઉજવાવું સમગ્ર વિસ્તાર માટે વિશેષ ગૌરવની ક્ષણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સિંચાઈ, ઉદ્યોગ, માર્ગ અને વહીવટી સુવિધાઓના ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાથમિક શાળાઓ માટે રૂ. ૩૬૪ કરોડના ખર્ચે ૧,૮૨૭ નવા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે રૂ. ૫૨ કરોડના ખર્ચે ૨,૭૩૩ હયાત વર્ગખંડોના અપગ્રેડેશનની કામગીરી પ્રગતિમાં છે. થરાદ ખાતે રૂ. ૫૨ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાની નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. દુધવા ખાતે રૂ. ૪૮ કરોડના ખર્ચે જી.આઈ.ડી.સી.ની કામગીરી, ફૂડ પાર્ક, કૃષિ અને બાગાયત ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સીલન્સ, થરાદ ખાતે વિજ્ઞાન કેન્દ્ર તેમજ રૂ. ૫૦૦ કરોડના ખર્ચે એગ્રી એન્જિનિયરિંગ કોલેજ સહિતની સુવિધાઓ જિલ્લાના વિકાસને નવી ગતિ આપશે.
અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, થરાદ-સીપુ, થરાદ-ધાનેરા અને દિયોદર-લાખણી પાઇપલાઇન મારફતે નર્મદા કેનાલના પાણીથી તળાવો ભરવા માટે રૂ. ૨૩૫૦ કરોડના ખર્ચની યોજનાઓની કામગીરી પ્રગતિમાં છે. વાવ-થરાદ વિસ્તારમાં રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે માર્ગોના વિવિધ કામો પણ ચાલી રહ્યા છે. થરાદ ખાતે રૂ. ૭૦.૭૧ કરોડના ખર્ચે ભવ્ય જિલ્લા સેવા સદન આકાર લઈ રહ્યું છે. જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારે રૂ. ૧૪૦૦ કરોડની યોજના મંજૂર કરી છે. આ વિકાસકાર્યો થકી સરહદી વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થવાની સાથે કૃષિ, ઉદ્યોગ, વેપાર અને રોજગારીની નવી તકો ઊભી થશે.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષશ્રી સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન અને સંવર્ધનનો સંદેશ આપ્યો હતો. અધ્યક્ષશ્રીએ રાહ વિસ્તારના વિકાસકાર્યો માટે રૂ.૨૫ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેકટરશ્રીને અર્પણ કર્યો હતો. અધ્યક્ષશ્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને ઉપસ્થિત પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યું હતું. રાષ્ટ્રીય પર્વની આ શાનદાર ઉજવણીમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસના જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ કરી હતી. જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. અધ્યક્ષશ્રીએ ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓને પાણીનું એક પણ ટીપું વ્યર્થ ન જવા દેવા, પર્યાવરણનું જતન કરવા, નશામુક્ત અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા, દીકરીઓને શિક્ષણ, સુરક્ષા અને સમાન તક આપવા તથા વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રત્નીબેન પરમાર, જિલ્લા કલેકટરશ્રી મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા, અગ્રણી શ્રી નરેશજી ઠાકોર સહિત પદાધિકારીઓ/અધિકારીશ્રીઓ/પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!