JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

માળીયા હાટીના ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ધ્વજવંદન

નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી; માળીયા હાટીના તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો

નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી; માળીયા હાટીના તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
​જૂનાગઢ : ​ઊર્જા અને કાયદા રાજ્ય મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે જિલ્લાના માળીયા હાટીના તાલુકાના સમસ્ત હાટી ક્ષત્રિય સમાજ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી. આ રાષ્ટ્રીય પર્વના અવસરે મંત્રીએ જણાવ્યું કે, દેશમાં આઝાદીનું અમૃત પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સ્વાભિમાન પૂર્વક આપણે કહી શકીએ છીએ કે આઝાદીનું બીજ ગુજરાતથી વવાયું હતું. મહાત્મા ગાંધીએ સ્વરાજ લેવાની નેમ લીધી હતી ત્યારથી સમગ્ર ભારતમાં આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું હતું. દેશના અનેક મહાપુરુષોએ આઝાદી અપાવવા માટે ખૂબ મોટી લડાઈ લડી, અનેક યુવાનોએ જાનની બાજી લગાવી, યુવાની જેલમાં ખપાવી દીધી, અનેક યાતનાઓ સહન કરી, કષ્ટ વેઠયા અને કુટુંબના કુટુંબ ઉજળી ગયા તે સંઘર્ષ યાત્રાના ફળ સ્વરૂપ વર્ષ ૧૯૪૭માં આપણે આઝાદીના ફળ ચાખ્યા.
​વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાની નેમને સાકાર કરવા એક પછી એક નિર્ણયો લીધા હતા. જેમાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ, નર્મદા કેનાલ અને સૌની યોજના થકી નર્મદાના નીર સૌરાષ્ટ્રના છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનું ભગીરથ કામ, વિશ્વકક્ષાની વાયબ્રન્ટ ગુજરાત સમિટ તેમજ રાજ્યના ગામેગામ જ્યોતિગ્રામ યોજના થકી ચોવીસ કલાક વીજળીકરણ સહિતના આવા અનેક નિર્ણયોને કારણે ગુજરાતની ગણતરી ભારતના વિકસિત રાજ્યોમાં થાય છે.
ગુજરાતના નાગરિકોને શાંતિ, સુરક્ષા અને સલામતી મળે એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આપણું પોલીસ તંત્ર ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. ગુજરાતની એટીએસ ટીમે ૧૬૦૦ કિમીની દરિયાઈ સીમા પરથી ૭૫ થી વધુ પાકિસ્તાની ઘૂસણખોરોને સીમા પર જ દબોચી લઈ ૧૪ થી વધુ રાજ્યોમાં ડ્રગ્સ નેટવર્કને તોડ્યું છે.
વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે ૨૦૩૦ સુધીમાં ભારતની કુલ ઊર્જા ક્ષમતામાંથી ૫૦૦ ગીગાવોટ ઊર્જા રીન્યુએબલ એનર્જીમાંથી ઉત્પન્ન કરવાનો લક્ષ્ય રાખ્યો છે. જેમાંથી ૨૦ ટકા એટલે કે ૧૦૦ ગીગાવોટ જેટલી ક્લીન એન્ડ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવાનો સંકલ્પ ગુજરાત સરકારે કરેલ છે. ‘‘એક પેડ માઁ કે નામ’’ અંતર્ગત ૧૭ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સુરક્ષામાં રાજ્ય દેશમાં બીજા ક્રમે રહ્યું છે.
​વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ અને ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. કુદરતી આફતો સમયે સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૩૬ કરોડ ખેડૂતોને રૂપિયા ૨૨ હજાર ૭૩૩ કરોડની રાહત ચૂકવી છે. જેમાં માત્ર એક જ વર્ષમાં ૩૬.૭૪ લાખ ખેડૂતોને રૂપિયા ૧૦ હજાર ૩૩૭ કરોડ આપ્યા છે. સુજલામ-સુફલામ યોજના, કલ્પસર યોજના, નર્મદા યોજના અને સૌની યોજના થકી ગુજરાત જળ-સમૃદ્ધિની દિશામાં ઐતિહાસિક રીતે આગળ વધી રહ્યું છે.
​રાજ્ય સરકાર યુવાનોને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગાર પૂરો પાડવા તેમજ ઉદ્યોગોને વૈશ્વિક કક્ષાનું માળખું આપવા માટે સતત કાર્યરત છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ ૨૦૨૬’નું ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ્સમાં સાડા ૧૭ લાખ કરોડના રોકાણો થવાથી રાજ્યમાં અંદાજે ૧૫ લાખ યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે. ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે ‘સેમિ કન્ડક્ટર પોલિસી’ જાહેર કરી છે અને રાજ્યને અગ્રણી સેમિ કન્ડક્ટર હબ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. ૨૪મી કોમનવેલ્થ ગેમ્સ (૨૦૩૦)ની યજમાનીના ગૌરવ સાથે ગુજરાત આજે આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.
​મંત્રીએ જૂનાગઢ જિલ્લાની છેલ્લા એક વર્ષની કાર્ય સિદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જગતના તાત એવા ખેડૂતોના કલ્યાણ માટે જૂનાગઢ જિલ્લામાં પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૩મા હપ્તા હેઠળ ૧.૪૨ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. ૨૯.૬૩ કરોડ જમા કરવામાં આવ્યા છે. ગત વર્ષે મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરી કુલ રૂ. ૧ લાખ ૬૮ હજાર ૩૧૯ ની રકમ સીધી જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
​રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે વિશેષ અભિયાન અપનાવવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ‘પ્રાકૃતિક કૃષિ – એક સ્વસ્થ ભવિષ્ય’ના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. જૂનાગઢ જિલ્લાના ૨૫ હજાર ૮૮૬ થી વધુ ઉત્સાહી ખેડૂતો ૧૪ હજાર ૭૭૪ એકરથી વધુ વિસ્તારમાં સંપૂર્ણ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વિજળી યોજના હેઠળ PGVCL જૂનાગઢ વર્તુળ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪૨ હજાર ૩૪૮ રજીસ્ટ્રેશન અને ૩૩ હજાર ૬૩૮ સોલાર કનેક્શનો આપીને ઊર્જા ઉત્પાદનને નવું બળ પૂરું પાડવામાં આવ્યું છે. અમૃત ૨.૦ યોજના હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૯.૧૪ કરોડના ખર્ચે વાઘેશ્વરી તળાવ બ્યુટીફીકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે.
​જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ભવ્ય ઉજવણી કરાઈ હતી. આણ, બાન અને શાન સાથે થયેલી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે મંત્રીના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર અને સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓ તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
​મંત્રીના હસ્તે તાલુકા વિકાસ અધિકારીને માળીયા હાટીના તાલુકાના વિકાસ કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે મંત્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન કાવાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંઘ રાઠોડ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડ, પ્રાંત અધિકારી સી. પી. હિરવાણીયા, ડીઆરડીએ નિયામક પી. એ. જાડેજા, અગ્રણી કિરીટ પટેલ, વિપુલભાઈ કાવાણી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!