
નેત્રંગ પોલીસે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે.
પોલીસ ચેકિંગ દરમિયાન પેડીયાપાડા તરફથી આવતી MP-05-CB-3246 નંબરની હ્યુન્ડાઈ i20 કારને જોઈ તેમાં સવાર શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી કારને રોકી તપાસ હાથ ધરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું.કારમાંથી સોના-ચાંદી જેવા દેખાતા ઘરેણાં, ભગવાનની નાની-મોટી મૂર્તિઓ, દીવાની થાંભલીઓ અને પત્રીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિટ્ટુર ખાતે સોનીની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે.પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ.6.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂ.1.20 લાખના ઘરેણાં અને અન્ય સામાન, રૂ.5 લાખની કાર તથા રૂ.35 હજારના ચાર મોબાઇલનો સમાવેશ થાય છે.પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંઘ રાવત અને નારનસિંઘ ઉર્ફે પવન રાવત તેમજ મધ્યપ્રદેશના અર્જુનસિંઘ રાઠોડનો સમાવેશ થાય છે.પોલીસે તપાસ દરમિયાન કિટ્ટુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો ગુનો પણ શોધી કાઢ્યો છે.પોલીસ તપાસમાં આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. સમગ્ર કામગીરી ઝઘડિયા વિભાગના અધિકારીઓ અને નેત્રંગ પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
વિજય વસાવા નેત્રંગ



