દાહોદ સબ જેલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

તા.૧૫.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સબ જેલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ
દેશભરમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે દાહોદ સબ જેલ ખાતે પણ રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમના માહોલ વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેલના અધિકારીઓ, કર્મચારીઓ તથા તમામ બંદીવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને વંદન કરી દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદો અને રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર મહાનુભાવોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બંદીવાનોમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને સકારાત્મક જીવનમૂલ્યોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.વિશેષમાં, દાહોદ સબ જેલમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી, શિસ્ત, જવાબદારી અને સેવાભાવ દાખવનાર જેલના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ જેલમાં રહીને આદર્શ વર્તન કરનાર બંદીવાનોને પણ પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા. આ અગાઉ જેલ ખાતે યોજાયેલા “બચપણ કી યાદે” રમતમહોત્સવમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર બંદીવાનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી કર્મચારીઓમાં ફરજ પ્રત્યે વધુ ઉત્સાહ વધશે અને બંદીવાનો સુધારાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રેરિત થશે તેવો સૂર વ્યક્ત કરાયો હતો.સમગ્ર કાર્યક્રમ અત્યંત શિસ્તબદ્ધ, રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણી દ્વારા જેલના કર્મચારીઓ અને બંદીવાનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને એક સારા નાગરિક બનવાની જવાબદારીની ભાવના વધુ દ્રઢ બની હતી, તેમજ બંદીવાનોએ ભવિષ્યમાં સારા નાગરિક બની સમાજમાં પુનઃસ્થાપિત થવાનો સંકલ્પ લીધો હતો





