
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ સરકારી B.Ed. કોલેજમાં પ્રોફેસરોની મનમાનીના આક્ષેપો – શિક્ષણ કમિશનર અને શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત, પ્રોફેસરો ધમકી અને દાદાગીરી કરતા હોવાના પણ આક્ષેપો
મેઘરજ : અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવેલી સરકારી B.Ed. કોલેજમાં કેટલાક અધ્યાપકોની સમયપાલન અને અનિયમિત હાજરીને લઈને વિવાદ સામે આવ્યો છે. કોલેજના પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય ડૉ. રામભાઈ ચોચાએ કેટલાક પ્રોફેસરો સામે ગંભીર આક્ષેપો કરી ઉચ્ચ શિક્ષણ કમિશનર અને શિક્ષણ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
ડૉ. રામભાઈ ચોચાના જણાવ્યા મુજબ, કોલેજનો નિર્ધારિત સમય સવારે 10:30થી સાંજે 4:30 વાગ્યા સુધીનો છે. તેમ છતાં કેટલાક અધ્યાપકો સવારે 11થી 12 વાગ્યા સુધી મોડા આવતા તેમજ બપોરે 3થી 4 વાગ્યાની વચ્ચે કોલેજમાંથી જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરથી અપડાઉન કરતા કેટલાક પ્રોફેસરોના કારણે શૈક્ષણિક કામગીરીને અસર થતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.પૂર્વ ઇન્ચાર્જ આચાર્યનો આક્ષેપ છે કે સમયપાલન માટે કેટલાક અધ્યાપકોને નોટિસ આપવામાં આવી હોવા છતાં સ્થિતિમાં સુધારો થયો ન હતો. એટલું જ નહીં, આ મામલે તેમને ધમકી અને દાદાગીરી કરવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.કોલેજના કુલ સાત અધ્યાપકોમાંથી ડૉ. ધર્મેન્દ્ર બુમતારિયા, ડૉ. દેવાંગ મહેતા, ડૉ. મોહિન્દર રાજ પુરોહિત અને ડૉ. સાગર મહેતા સામે અનિયમિતતા અંગે આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે, આ આક્ષેપો અંગે સંબંધિત અધ્યાપકોનો પક્ષ સામે આવવો હજુ બાકી છે.કોલેજમાં હાજરીની વ્યવસ્થા વધુ પારદર્શક બને તે માટે બાયોમેટ્રિક હાજરી શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ચાર અધ્યાપકોએ તેનો વિરોધ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.સમગ્ર મામલે ઉચ્ચ શિક્ષણ કમિશનર અને શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પૂર્વ ઇન્ચાર્જ આચાર્યના જણાવ્યા મુજબ, શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે તપાસ કરાવી નિયમ મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હવે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય છે કે કેમ અને આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે અંગે સૌની નજર રહેશે.





