દિયોદર પે કેન્દ્ર શાળા નં. ૨ માં ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

દિયોદર પે કેન્દ્ર શાળા નં. ૨ માં ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી
પ્રતિનિધિ:- દિયોદર: . અહેવાલ કલ્પેશ બારોટ
દિયોદર પે કેન્દ્ર શાળા નંબર ૨ માં ૮૦મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ અને દેશભક્તિભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. સવારે નિયત સમયે શાળાના પટાંગણમાં એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી પરખાભાઈ ચૌધરીના વરદહસ્તે ધ્વજવંદન અને ધ્વજરોહણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી કલ્પેશભાઈ મોદી દ્વારા રાષ્ટ્રધ્વજને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત જનમેદની દ્વારા વંદે માતરમ્, ઝંડા ગીત, કોમી નારા અને રાષ્ટ્રગાનના ગુંજારવથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.
કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા દેશભક્તિ આધારિત પ્રભાવશાળી વક્તવ્ય (સ્પીચ) અને સાંસ્કૃતિક ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે એસ.એમ.સી. અધ્યક્ષશ્રી તેમજ ઇન્ચાર્જ આચાર્યશ્રી જામાભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં તિરંગાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભારત ભૂમિ એ તર્પણ, તપસ્વીઓ અને બલિદાનની ભૂમિ છે. તેમણે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશ આર્થિક, શિક્ષણ, આરોગ્ય, ખેતી અને સિંચાઈ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી વિશ્વગુરુ અને શક્તિશાળી ‘વિકસિત ભારત’ બને તેવી કામના વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આજનું બાળક જ આવતીકાલનું ભવિષ્ય છે.
આ વર્ષના પ્રતિભાશાળી સેન્ટર શિક્ષક તરીકે શ્રી સંજયભાઈ દરજીનું શાળાના સ્ટાફ પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બાળકોને દાતાશ્રી તરફથી બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જગદીશભાઈ અને શ્રી વિષ્ણુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે શ્રી વિષ્ણુભાઈ દેસાઈએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.




