MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી
મોરબી મહાનગરપાલિકા દ્વારા દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા ખાતે રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમ સુરાણીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ મેયરશ્રી દ્વારા નાગરિકોને મહાનગરપાલિકાના કામોમાં સહભાગી થઈ શહેરને સ્વચ્છ, સુંદર અને વિકસિત બનાવવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, તેમજ મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ, કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત આશરે 300 જેટલા નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ, અધિકારીઓ-કર્મચારીઓ તથા મહાનગરપાલિકાનો સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયો હતો.સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા મોરબીના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકામાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ બેસ્ટ શાખા, બેસ્ટ એમ્પ્લોઈ તથા બેસ્ટ ક્લાર્ક તરીકે પસંદગી પામેલા અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માન દ્વારા મહાનગરપાલિકાના કર્મચારીઓની કામગીરીને પ્રોત્સાહન આપી, કાર્યક્ષમતા, જવાબદારી અને ઉત્તમ સેવાભાવને પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી તથા મહાનગરપાલિકાના કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.










