GUJARATSAGBARA

નેત્રંગ પોલીસની મોટી સફળતા: આંતરરાજ્ય ચોર ટોળકીના ત્રણ આરોપી ઝડપાયા

નેત્રંગ પોલીસની મોટી સફળતા: આંતરરાજ્ય ચોર ટોળકીના ત્રણ આરોપી ઝડપાયા

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

કર્ણાટકની જવેલરી શોપમાં ચોરી કરી ફરાર થયેલી ટોળકી ઝડપાઈ, કાર સહિત રૂ. ૯.૭૨. લાખનો મુદ્દામાલ કબજે

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસને આંતરરાજ્ય ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. કર્ણાટકના કિટુર-હુબળી ખાતે જવેલરી શોપમાં ચોરી કરી ફરાર થયેલી આંતરરાજ્ય ગુનાહિત ટોળકીના ત્રણ આરોપીઓને નેત્રંગ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત કુલ રૂ. ૯.૭૨. લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

નેત્રંગ પોલીસ ઈન્સ્પેક્ટર વી.એસ. વણઝારાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા થવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ડેડીયાપાડા તરફથી સફેદ રંગની હોન્ડા કાર આવતી નજરે પડતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

 

પોલીસને જોઈ કારમાં સવાર ઈસમોએ અચાનક યુ-ટર્ન મારીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે નેત્રંગ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ચંપકભાઈ વસાવાને જાણ કરવામાં આવી હતી. તે સમયે તેઓ પોતાના વતન સેજપુર ગામે હાજર હતા.

 

માહિતી મળતા જ ચંપકભાઈ વસાવા સેજપુર સ્ટેશન પાસે પહોંચી ગયા હતા. પોતાની સૂઝબૂઝ અને સતર્કતાથી તેમણે રસ્તો બ્લોક કરી સામેથી આવતી શંકાસ્પદ કારને રોકી હતી. કારમાં સવાર પાંચ ઈસમોમાંથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ચાર આરોપીઓ નાસી છૂટ્યા હતા.

 

કાર અને ઝડપાયેલા આરોપીને પોલીસ સ્ટાફને સોંપ્યા બાદ પણ ચંપકભાઈ વસાવાએ હિંમત અને નીડરતાનો પરિચય આપ્યો હતો. પોતાની બાઈક પર નાસી છૂટેલા આરોપીઓનો પીછો કરી તેમણે વધુ બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

 

આ સમગ્ર કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ ચંપકભાઈ વસાવાની સતર્કતા, હિંમત, સમયસૂચકતા અને બહાદુરી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

 

પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓ કર્ણાટકના કિટુર-હુબળી ખાતે આવેલી જવેલરી શોપમાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. નેત્રંગ પોલીસે કાર સહિત કુલ રૂ. ૯. લાખ ૭૨ હજારનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!