VALSADVALSAD CITY / TALUKO

વલસાડ: નાનાપોંઢામાં,આન બાન,શાનથી લહેરાયો તિરંગો, ૮૦મો સ્વાતંત્ર્ય પર્વ બન્યો વિકાસના સંકલ્પનો અવસર

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકામાં જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી; ૬૫ પ્રતિભાઓનું સન્માન, ₹૨.૪૩ કરોડની અદ્યતન શાળાનું લોકાર્પણ

વલસાડ, તા. ૧૫ ઓગસ્ટ: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને વિકાસના સંકલ્પ સાથે કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને તેમણે રાષ્ટ્રધ્વજને માનભેર સલામી આપી હતી.

મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. આ પ્રસંગે તેમણે દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ પાઠવી સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા.

“ગામડાઓને પણ શહેર જેવી તમામ સુવિધા”નો સંકલ્પ

પ્રાસંગિક પ્રવચનમાં મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. ગામડાઓના વિકાસને મહત્વ આપતા તેમણે જણાવ્યું કે **“ગામડાઓને પણ સુવિધા બધી જ શહેર જેવી”**ના મંત્ર સાથે ગ્રામ્ય વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે.

આદિવાસી વિસ્તારોના વિકાસ અંગે તેમણે જણાવ્યું કે માત્ર શાળાઓ ઊભી કરવી એ સરકારનું લક્ષ્ય નથી, પરંતુ આદિવાસી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ, સુવિધા અને તક આપી તેમને મુખ્ય પ્રવાહમાં આગળ વધારવાનો સરકારનો ધ્યેય છે.

પૂરગ્રસ્ત ૪૭ હજારથી વધુ પરિવારોને ₹૨૮ કરોડથી વધુની સહાય

જુલાઈ માસમાં વલસાડ જિલ્લામાં સર્જાયેલી અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે અસરગ્રસ્ત પરિવારોના ઝડપી સર્વે બાદ ૪૭,૦૦૦થી વધુ પરિવારોને ₹૨૮ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરીમાં તંત્ર સાથે પોલીસ, સ્વયંસેવકો, સામાજિક સંસ્થાઓ અને યુવા મંડળોએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

વલસાડમાં ઉદ્યોગ અને રોકાણને વેગ

મંત્રીશ્રીએ જણાવ્યું કે વલસાડ જિલ્લામાં ૫૫,૦૦૦થી વધુ નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે અને ૪.૫ લાખથી વધુ લોકોને સીધી રોજગારી મળી રહી છે. તાજેતરની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ દરમિયાન વલસાડ માટે ₹૨,૦૫૬.૮૩ કરોડના ૧૨૭ જેટલા MoUથયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

૬૫ પ્રતિભાઓનું સન્માન

પૂર દરમિયાન બચાવ-રાહત કામગીરી, સર્વે, રમતગમત, ૧૦૮ ઇમરજન્સી સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી કરનાર કુલ ૬૫ પ્રતિભાઓનું પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધા હતા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!