વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027 માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના સંદર્ભમાં અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા માટે આજે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા હતા. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળનું ગુજરાત પ્રતિનિધિમંડળ બંને દેશોમાં રોકાણકારો, ઉદ્યોગ મંડળો, ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રના અગ્રણીઓ તેમજ ગુજરાતી સમુદાયના પ્રતિનિધિઓ સાથે વિવિધ બેઠકો અને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના ઉદ્યોગકારો તથા રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણને વધુ વેગ આપવા માટેના પ્રયાસો કરશે. આ ઉપરાંત ગુજરાતમાં ઉપલબ્ધ ઔદ્યોગિક તકો, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણલક્ષી નીતિઓ અને રાજ્યના ઝડપી આર્થિક વિકાસની ગાથા અંગે પણ પ્રતિનિધિમંડળ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.
પ્રવાસ દરમિયાન ગુજરાતનું પ્રતિનિધિમંડળ અમેરિકાના વોશિંગ્ટન ડી.સી., ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડાના ટોરોન્ટોની મુલાકાત લેશે. અહીં વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોના અગ્રણીઓ અને રોકાણકારો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન-ટુ-વન બેઠકો યોજાશે. ખાસ કરીને ઉભરતી ટેકનોલોજી, ઉદ્યોગ, રોકાણ અને નવીનતા ક્ષેત્રે ગુજરાતમાં રહેલી સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન જાન્યુઆરી 2027માં ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ભાગ લેવા માટે અમેરિકા અને કેનેડાના રોકાણકારો, ઉદ્યોગકારો તથા વિવિધ સંસ્થાઓને આમંત્રણ પણ આપવામાં આવશે. ગુજરાતને વૈશ્વિક રોકાણના અગ્રણી કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવા અને રાજ્યમાં નવીન ઉદ્યોગો તથા રોજગારીની તકો વધારવા માટે આ પ્રવાસ મહત્વપૂર્ણ બની રહેવાની અપેક્ષા છે.
મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ અને વેપાર જગતનું પ્રતિનિધિમંડળ પણ વિદેશ પ્રવાસમાં જોડાયું છે.
મુખ્યમંત્રીના અમદાવાદ એરપોર્ટથી વિદેશ પ્રવાસના પ્રસ્થાન સમયે અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીને સફળ તથા પરિણામલક્ષી પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આ પ્રવાસ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં રોકાણની નવી તકો ઊભી કરવા અને ગુજરાત સાથે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ જગતના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે.







