7.7ના ભૂકંપ બાદ 24 કલાકમાં 341 આંચકા, 51નાં મોત

ઈન્ડોનેશિયાના પૂર્વ ભાગમાં આવેલા 7.7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 15 ઓગસ્ટે સવારે આવેલા આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે, જ્યારે 5,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં આવેલા આ ભૂકંપને પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે અને મોટા પાયે ભૂસ્ખલન થયું છે.
આપત્તિ વ્યવસ્થાપન એજન્સી BNPBના જણાવ્યા મુજબ, સિક્કા વિસ્તારમાં 3,300 થી વધુ લોકોએ સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે અથવા તેમને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાખવામાં આવ્યા છે. ઘરો ધરાશાયી થતાં લોકો તાલપત્રીના અસ્થાયી તંબુઓમાં રહેવા મજબૂર બન્યા છે. મૌમેરે વિસ્તારમાં હોસ્પિટલની બહાર ટેન્ટ ઊભા કરીને ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.
સિક્કાના 63 વર્ષીય અબ્દુલ મુતાસે જણાવ્યું કે, તેઓ પોતાના પરિવાર સાથે ઝાડ નીચે તાલપત્રી બાંધીને સૂઈ રહ્યા છે અને જીવ બચાવીને માત્ર પહેરેલા કપડે જ બહાર નીકળ્યા હતા. સિક્કાના ડેપ્યુટી રીજન્ટ સાઈમન સુબાંદીએ જણાવ્યું કે, લોકોમાં એટલો ડર છે કે તેઓ ઘરમાં જવાનું ટાળી રહ્યા છે અને ઘરની બહાર કે ટેન્ટમાં રાત વિતાવી રહ્યા છે.
રાહત અને બચાવ કાર્ય માટે 3,500 થી વધુ સેના અને પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે લોકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. BNPB અનુસાર, 1,300 થી વધુ મકાનોને નુકસાન થયું છે અને વીજ પુરવઠો ખોરવાતા 20 પેટ્રોલ પંપ બંધ રહ્યા છે. સંસાધનો અને રાહત ફંડ ઝડપથી મેળવવા માટે સ્થાનિક સરકાર ઈમરજન્સી જાહેર કરવા પર વિચાર કરી રહી છે.







