SURENDRANAGAR:સુરેન્દ્રનગર સાયલા હાઇવે પરથી ભારતીય પુરાવા વગરની શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ

SURENDRANAGAR:સુરેન્દ્રનગર સાયલા હાઇવે પરથી ભારતીય પુરાવા વગરની શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ
રાજકોટ રેન્જ પોલીસની ટીમે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી પોતાની પાસે ભારતીય નાગરિક હોવાના કોઈ પણ આધાર-પુરાવા ન ધરાવતી એક શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હસ્તકના વિસ્તારોમાં ઓળખ છુપાવીને ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી શંકાસ્પદ નાગરિકોને શોધી કાઢવા સ્પેશિયલ ઝુંબેશની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI શ્રી પી.એન. મોરી, PSI શ્રી બી.સી. મીયાત્રા, PSI શ્રી સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી બાંગ્લાદેશી નાગરિકો અંગે વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું.
દરમિયાન પોલીસ સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ફતેસંગ પરમાર અને દિલીપસિંહ સિધવને મળેલ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગોસળ ગામની સીમમાં આવેલ દેવનારાયણ ભોજનાલય ખાતેથી એક મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
રાજકોટ રેન્જ ટીમે સાયલા પોલીસ સ્ટેશનના મહિલા હેડ કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન ઇશ્વરભાઇ પટેલને સાથે રાખી મહિલાની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનું નામ હસનેરા (પુત્રી સમસુલહક્ક ગાજી, રહે. બસતપુર, તા. બગચરા, જી. સરસા, બાંગ્લાદેશ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેની પાસે ભારતીય નાગરિક હોવાના પુરાવા માંગતા તે કોઈ પણ આધાર રજૂ કરી શકી નહોતી. આથી ટીમે શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને હસ્તગત કરી આગળની યોગ્ય કાયદેસરની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી છે.










