TANKARA:ટંકારા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: અસંતુષ્ટ આગેવાનો અને કાર્યકર્તાઓની સામૂહિક રાજીનામાની ચીમકી

TANKARA:ટંકારા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: અસંતુષ્ટ આગેવાનો અને કાર્યકર્તાઓની સામૂહિક રાજીનામાની ચીમકી
મોરબી જિલ્લા અને ટંકારા તાલુકા કોંગ્રેસ સંગઠનની કાર્યશૈલી સામે સ્થાનિક આગેવાનો અને પાયાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટંકારા ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં પૂર્વ સદસ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના સદસ્યો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.
સંગઠનમાં ચાલી રહેલી એકતરફી નિર્ણય પ્રક્રિયા, જૂથબંધી અને પાયાના કાર્યકર્તાઓની ઉપેક્ષા સામે બેઠકમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. વર્ષોથી પક્ષ પ્રત્યે નિષ્ઠાવાન રહેવા છતાં યોગ્ય સન્માન અને જવાબદારી ન મળતી હોવાની લાગણી આગેવાનોએ વ્યક્ત કરી હતી. ટંકારા હંમેશા તમામ સમાજને સાથે લઈને ચાલ્યું છે, ત્યારે સંગઠનમાં પણ દરેક સમાજને સમાન પ્રતિનિધિત્વ અને સન્માન મળવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરી સ્થાનિક સ્તરે નિષ્પક્ષ સેન્સ લેવામાં આવે અને હોદ્દાઓની ફાળવણીની સમીક્ષા કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય સુધારો નહીં થાય, તો ટંકારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નિષ્ઠાવાન કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આગામી સમયમાં જો મોરબી અને ટંકારા કોંગ્રેસના આંતરિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો કાર્યકર્તાઓની વિશાળ બેઠક બોલાવીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.










