GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ગેરકાયદે કતલખાના અને નોનવેજની લારીઓ સામે હિન્દુ સંગઠનો આક્રમક: ૫૨ કોર્પોરેટરોની સહી સાથે કમિશનરને ઘેર્યા

MORBI:મોરબીમાં ગેરકાયદે કતલખાના અને નોનવેજની લારીઓ સામે હિન્દુ સંગઠનો આક્રમક: ૫૨ કોર્પોરેટરોની સહી સાથે કમિશનરને ઘેર્યા

 

મોરબી શહેરમાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર કતલખાનાઓ તેમજ જાહેર રસ્તાઓ અને જગ્યાઓ પર ખડકાયેલી નોનવેજ તથા ઈંડાની લારીઓ સામે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને શહેરના તમામ હિન્દુ સંગઠનો દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને એકજૂથ થઈને તીખી રજૂઆત કરવામાં આવી છે.

સંગઠનો દ્વારા આ મુદ્દે મોરબીના તમામ ૫૨ ચૂંટાયેલા કોર્પોરેટરોની સહી સાથેનું સહમતી પત્ર રજૂ કરવામાં આવ્યું છે. સંગઠનોએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે પ્રજા દ્વારા ચૂંટાયેલા તમામ ૫૨ કોર્પોરેટરો આ ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરાવવા સહમત છે, ત્યારે મહાનગરપાલિકા તંત્ર અને કમિશનરને કાયદેસરની કાર્યવાહી કરવામાં કઈ અડચણ આવી રહી છે?

રજૂઆતમાં જણાવાયું છે કે, પાલિકા તંત્ર દ્વારા માત્ર શ્રાવણ માસ કે જન્માષ્ટમી જેવા તહેવારો પૂરતા કતલખાના બંધ રાખવાના જાહેરનામા બહાર પાડવામાં આવે છે. સંગઠનનો સ્પષ્ટ તર્ક છે કે જે કતલખાનાઓને કોઈ લાઈસન્સ કે પરમિશન જ આપવામાં આવી નથી, તેમના માટે તહેવાર પૂરતા નિયંત્રણના જાહેરનામાની જરૂર જ શું છે? બિનઅધિકૃત અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર માત્ર તહેવાર પૂરતી નહીં, પરંતુ કાયદા મુજબ કાયમી સીલિંગ અને કડક કાર્યવાહી થવી જોઈએ.

તપાસ અને સીલિંગ: શહેરમાં ચાલતી નોનવેજ અને ઈંડાની લારીઓના લાઈસન્સ, પરમિશન, સ્વચ્છતા અને જાહેર જગ્યાના દબાણ અંગે તાત્કાલિક તપાસ કરી કાયદેસર પગલાં ભરવા.

પોલીસ કાર્યવાહી: ગેરકાયદે કતલખાના ચલાવતા જવાબદારો સામે કાયદાની જોગવાઈ મુજબ પોલીસ ચોપડે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવી.

નિયમપાલન: આ રજૂઆત કોઈ સમાજ કે વ્યક્તિ વિશેષ સામે નથી, પરંતુ શહેરમાં માત્ર કાયદેસરની પ્રવૃત્તિઓ જ ચાલે તે સુનિશ્ચિત કરવા માટે છે.

જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે તો મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, ગૌરક્ષક દળ સહિત શહેરના ૧૯થી વધુ સક્રિય સનાતન અને હિન્દુ સંગઠનો દ્વારા લોકશાહીના રાહે ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે.

Back to top button
error: Content is protected !!