MORBI:મોરબી સરકારી ધ્વજવંદનમાં ‘વંદે માતરમ્’નું ગાન કેમ ન થયું? મનપા તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો

MORBI:મોરબી સરકારી ધ્વજવંદનમાં ‘વંદે માતરમ્’નું ગાન કેમ ન થયું? મનપા તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો
દેશભરમાં રાષ્ટ્રીય ભાવના અને ‘વંદે માતરમ્’ના સન્માનને લઈને રાજકીય ચર્ચા ચાલતી હોય છે, ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સત્તાવાર ધ્વજવંદન કાર્યક્રમમાં જ ‘વંદે માતરમ્’નું ગાન ન થતાં ભારે વિવાદ ઊભો થયો છે. સરકારી ધ્વજવંદન જેવા ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ કે સ્પીકર પર પણ ‘વંદે માતરમ્’નું પ્રસારણ કેમ ન કરાયું તે અંગે હવે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
પ્રોટોકોલ અને આયોજન પર સવાલ: કાર્યક્રમમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા ઉચ્ચ હોદ્દેદારોની ઉપસ્થિતિ હોવા છતાં, કાર્યક્રમની પૂર્વ-નિર્ધારિત રૂપરેખામાં ‘વંદે માતરમ્’નો સમાવેશ હતો કે નહીં તે અંગે અસ્પષ્ટતા છે.
જવાબદારીનો અભાવ: જો ‘વંદે માતરમ્’ ગાન નક્કી હતું તો તેની અમલવારી કેમ ન થઈ? અને જો નક્કી જ નહોતું તો આવી મહત્વની રાષ્ટ્રીય ચૂક માટે જવાબદાર કોણ?
બીજા રાજકીય પક્ષો કે નેતાઓ સામે રાષ્ટ્રીય પ્રતીકોના મુદ્દે વિરોધ દર્શાવતા સ્થાનિક ભાજપના નેતાઓ હવે પોતાના જ શાસન હેઠળની મનપાના કાર્યક્રમમાં થયેલી આ ભૂલ અંગે મૌન સેવી રહ્યા છે. વિરોધ પક્ષો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે અન્ય લોકો ભૂલ કરે તો વિરોધ અને પોતાના જ તંત્ર દ્વારા ચૂક થાય ત્યારે મૌન કેમ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રાષ્ટ્રીય ગૌરવ અને સન્માન પર ભાર મૂકતા હોય, ત્યારે સ્થાનિક કક્ષાએ થયેલી આ બેદરકારી અંગે ભાજપ અને મનપા તંત્ર શું સ્પષ્ટતા કરશે તે જોવું રહ્યું.
હાલ તો મોરબી મનપા અને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ ચૂક અંગે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે અને જવાબદાર અધિકારી કે આયોજક સામે પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.











