
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૭ ઓગસ્ટ :- મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તેમજ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ અંતર્ગત દર વર્ષે ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ૨ ઓગસ્ટના રોજ “બેટી બચાવો બેટી પઢાવો દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં માંડવી મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ૩૮,૫૦,૦૦૦ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થી બહેનોને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં માંડવી તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી દીકરીઓને એજ્યુકેશન કીટ અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમણે દીકરીઓ અને તેમના વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે દીકરીઓને શિક્ષણ, સુરક્ષા અને સમાન તકો આપવી એ સમાજની સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્ય સરકાર મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેનો લાભ દરેક પાત્ર પરિવાર સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે.માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ઉપસ્થિત દીકરીઓ અને તેમના વાલીઓને રાજ્ય સરકારની વિવિધ મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર અને સશક્ત બનવા પ્રેરણા આપવામાં આવેલ.કાર્યક્રમમાં માંડવીના મામલતદાર પ્રધ્યુમન જેઠવા તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા કાર્યક્રમનો હેતુ જણાવવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્રિષ્નાબેન ભુડિયા દ્વારા કરવામાં આવેલ ત્તેમજ આભારવિધિ જાગૃતિબેન મહેશ્વરી દ્વારા કરવામાં આવેલ.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દીકરીઓ, વાલીઓ, લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.








