GUJARATSAGBARA

સાગબારાના ચિત્રાકેવડી ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી,

સાગબારાના ચિત્રાકેવડી ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી,

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

સાગબારા તાલુકાના ચિત્રાકેવડી ગામે સરકારી જમીનમાં પરવાનગી વિના માટી-મોરમ અને પથ્થરનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવતાં મામલતદાર નીતિન મકવાણા તથા મહેસૂલ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

મળેલી માહિતીના આધારે મહેસૂલ વિભાગની ટીમે ચિત્રાકેવડી ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં આવેલી સરકારી સર્વે નં. 90 પૈકીની જમીનની સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન હિટાચી મશીન દ્વારા માટી-મોરમ તથા પથ્થરનું ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

 

સ્થળ તપાસમાં આશરે 1 એકર જેટલી જમીનમાં અંદાજે 15 ફૂટ ઊંડું ખોદકામ કરી ખાડો કરવામાં આવ્યો હોવાનું નોંધાયું હતું. ખનન કરાયેલ માટી, મોરમ તથા પથ્થર અન્ય વ્યક્તિઓને વેચાણ કરવામાં આવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

 

તપાસ દરમિયાન ખનન માટે જરૂરી પરવાનગી/લીજ ઉપલબ્ધ ન હોવાનું તેમજ ખનન અને ખનિજના પરિવહન સંબંધિત નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રાથમિક રીતે જણાયું હતું. સ્થળ પરથી હિટાચી મશીન ઉપરાંત બોરમશીન, પેનલબોર્ડ સહિતની સામગ્રી પણ જોવા મળી હતી. ખનન કરાયેલા વિસ્તારની દક્ષિણ બાજુએ શ્રી-ફેન્સ કનેક્શન તથા સ્થળ પર પ્રવેશ માટે કાચા સિમેન્ટનું પથ્થરાળું મકાન પણ હોવાનું નોંધાયું હતું.

 

મામલતદાર નીતિન મકવાણાની સ્થળ તપાસના આધારે સંબંધિત વ્યક્તિ સામે ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ એન્ડ સ્ટોરેજ-ટ્રાન્સપોર્ટેશન) રૂલ્સ-2017ની જોગવાઈઓના ભંગ બદલ ગેરકાયદેસર ખનન અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જિલ્લા કક્ષાએ સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી છે.

 

આ અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે સંબંધિત વિભાગને અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!