GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: ગુજરાતમાં ઈ-ચલણની નવી વ્યવસ્થા અમલમાં: 45 દિવસમાં કાર્યવાહી નહીં કરો તો ચલણ સ્વીકારેલું ગણાશે

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

Screenshot

નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત પોલીસ દ્વારા તા. 12 ઓગસ્ટ, 2026થી રાજ્યમાં નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 20 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા G.S.R. 48(E) મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં થયેલા સુધારાને અનુરૂપ આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ ટ્રાફિક અમલીકરણને વધુ પારદર્શક, ટેક્નોલોજી આધારિત અને સમયબદ્ધ બનાવવાનો છે.

ઈ-ચલણ મળ્યા બાદ 45 દિવસની સમયમર્યાદા

સુધારેલા નિયમ મુજબ ઈલેક્ટ્રોનિક ચલણ અધિકૃત ઈલેક્ટ્રોનિક માધ્યમથી 3 દિવસની અંદર, જ્યારે ભૌતિક માધ્યમથી 15 દિવસની અંદર પહોંચાડી શકાય છે.

ચલણ જારી થયાની તારીખથી 45 દિવસની અંદર વાહન માલિકે ચલણની રકમ ભરવી અથવા યોગ્ય દસ્તાવેજી પુરાવા સાથે પોર્ટલ પર ચલણ સામે વાંધો નોંધાવવો પડશે. માત્ર વાંધો રજૂ કરવો પૂરતો નહીં રહે; વાંધાને સમર્થન આપતા જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે.

જો 45 દિવસની અંદર ચલણ સામે કોઈ પડકાર કરવામાં નહીં આવે તો ચલણ નાગરિક દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે. ત્યારબાદ ચલણની ચુકવણી માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવશે.

વાંધો નામંજૂર થાય તો પણ વિકલ્પ

ચલણ સામે કરવામાં આવેલ પડકાર સક્ષમ સત્તાધિકારી દ્વારા નામંજૂર થાય તો આદેશ મળ્યાની અથવા પોર્ટલ પર આદેશ અપલોડ થયાની તારીખથી 30 દિવસની અંદર ચલણ ભરવાની તક રહેશે. અથવા નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચલણની રકમના 50 ટકા જમા કરાવ્યા બાદ કોર્ટનો સંપર્ક કરી શકાશે.

ચલણને અવગણશો તો વાહન સંબંધિત કામગીરી અટકી શકે

નવા નિયમો હેઠળ જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો બાકી ચલણના નિકાલ સુધી સંબંધિત વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મોટર વાહનના રજિસ્ટ્રેશન સંબંધિત અરજીઓ પર પ્રક્રિયા અટકાવી શકાય છે. વાહનને પોર્ટલ પર “Not to be Transacted” તરીકે પણ ચિહ્નિત કરી શકાય છે.

કાયદા અથવા નિયમોના ઉલ્લંઘનમાં સંકળાયેલા વાહનને, અદાલતના આદેશોને આધીન રહીને, પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત અધિકારી દ્વારા અટકાવી (Detain) પણ શકાય છે.

ગુજરાત પોલીસની વાહનચાલકોને અપીલ

ગુજરાત પોલીસે તમામ વાહન માલિકો અને ચાલકોને પોતાના ઈ-ચલણની સ્થિતિ નિયમિત રીતે તપાસવા, સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા અને ચલણની ચુકવણી અથવા નિયમ મુજબ તેનો પડકાર કરવા અપીલ કરી છે.

સાથે જ Parivahan પોર્ટલ પર વાહન અને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જોડાયેલો મોબાઇલ નંબર સાચો અને સક્રિય રાખવાખાસ સૂચના આપવામાં આવી છે. મોબાઇલ નંબર અપડેટ રાખવાથી ટ્રાફિક ઉલ્લંઘન અને ઈ-ચલણ અંગે SMS અથવા અન્ય ઈલેક્ટ્રોનિક માધ્યમથી સમયસર જાણકારી મળી શકશે.

નવી નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમથી ટ્રાફિક અમલીકરણ વધુ પારદર્શક અને સમયબદ્ધ બનવાની સાથે નાગરિકોને ચલણ સ્વીકારવા અથવા યોગ્ય દસ્તાવેજી પુરાવા સાથે તેનો પડકાર કરવાની સ્પષ્ટ તક મળશે. નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ અને ગુજરાત પોલીસે સુરક્ષિત માર્ગ વ્યવસ્થા માટે સૌને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!