GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી શહેરના નિરાલી હોસ્પિટલના પ્રવેશદ્વાર સહિત કુદરતી કાંસ પરના ગેરકાયદે પાકા બાંધકામો દૂર કરાયા

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરના પગલે વરસાદી પાણીના નિકાલ અને પૂરપ્રવાહ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન સમીક્ષા હાથ ધરવામાં આવી છે. પાણી ભરાવાના કારણોના વિશ્લેષણ દરમિયાન કુદરતી કાંસ, ડ્રેનેજ ખાડી અને જળપ્રવાહના માર્ગો પર થયેલા દબાણો તથા પાકા બાંધકામો પાણીના કુદરતી નિકાલમાં અવરોધરૂપ હોવાનું સામે આવતા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સ્થળનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને કુદરતી જળપ્રવાહના માર્ગો ખુલ્લા કરવા ઝડપી અને નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.

નવસારી પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોરની સીધી દેખરેખ હેઠળ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અભિયાનના ભાગરૂપે નેશનલ હાઈવે-૪૮ નજીક આવેલી નિરાલી હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નજીક કુદરતી કાંસ પર થયેલા પાકા બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેસીબી અને બુલડોઝરની મદદથી હોસ્પિટલના પ્રવેશદ્વાર તથા બહારના ભાગમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

સ્થળ તપાસ દરમિયાન કુદરતી કાંસ પસાર થતો હોવાનું ધ્યાનમાં આવતા બાંધકામના કારણે વરસાદી પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઊભો થતો હોવાનું જણાયું હતું. લાગુ સરકારી માપદંડો અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નેશનલ હાઈવે-૪૮ના મધ્યથી ૪૦ મીટરના દાયરામાં તેમજ ડ્રેનેજ ખાડી અથવા કુદરતી કાંસથી ૯ મીટરની અંદરના વિસ્તારમાં આવેલા ગેરકાયદે પાકા બાંધકામો અને દબાણો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દબાણો દૂર કરી કુદરતી કાંસ તથા જળપ્રવાહના માર્ગોને ખુલ્લા કરવાની કામગીરી તંત્ર દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે.

તાજેતરના વિનાશક પૂરના કારણે નવસારી જિલ્લામાં એક લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા અને જનજીવન પર વ્યાપક અસર પડી હતી. ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તથા વરસાદી પાણીનો ઝડપી અને કુદરતી રીતે નિકાલ થઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાંબા ગાળાના આયોજન સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ આયોજન અંતર્ગત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કુદરતી કાંસ, વરસાદી પાણીના નિકાલના માર્ગો, ડ્રેનેજ ખાડીઓ અને જળપ્રવાહના માર્ગોનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. સર્વે દરમિયાન ઓળખાયેલા દબાણો સામે નિયમોનુસાર નોટિસ અને જરૂરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે કુદરતી જળપ્રવાહના માર્ગો ખુલ્લા રહે અને આગામી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો ન થાય તે માટે દબાણો સામેની કાર્યવાહી નિયમોનુસાર અને સતત ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને પણ કુદરતી કાંસ, ડ્રેનેજ માર્ગો તથા વરસાદી પાણીના વહેણના માર્ગો પર ગેરકાયદે બાંધકામ કે દબાણ ન કરવા અને તંત્રની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!