મોરીખા મર્ડર કેસમાં ન્યાયની બૂમઃ વડીલોથી યુવાનો સુધી ધરણાં પર, “કલેક્ટર સાહેબ બહાર આવો અને અમારી વાત સાંભળો!”

વાત્સલ્સમ
થરાદ: વાવ-થરાદ જિલ્લામાં મોરીખા ગામના મર્ડર કેસમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે શરૂ કરાયેલ ધરણાં આંદોલન બીજા દિવસે પણ યથાવત્ રહ્યું છે. તા. 17 ઓગસ્ટથી શરૂ થયેલા આ આંદોલનમાં દલિત સમાજના આગેવાનો, વિવિધ સંગઠનો તથા પીડિત પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ન્યાયની માંગ કરી રહ્યા છે.
70થી 80 વર્ષના ઉંમરના લોકો વડીલો ત્યાં ન્યાય માટે ભીખ માગી રહ્યા છે. પણ ક્લેક્ટર તેમની ઉંમરની પાઘડીઓ સામે જોતા નથી તેવું દલિત સમાજના સંગઠનના લોકોએ જણાવ્યું.
આંદોલનકારીઓનો આક્ષેપ છે કે મોરીખા મર્ડર કેસમાં હત્યાની કલમ 302 હેઠળ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ હોવા છતાં 306 સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરીને આરોપીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, આ આક્ષેપો અંગે સત્તાવાર તંત્ર તરફથી સ્પષ્ટતા થવાની બાકી છે.
પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોની મુખ્ય માંગ છે કે છેલ્લા અઢી મહિનામાં તપાસ દરમિયાન શું કાર્યવાહી કરવામાં આવી અને તપાસમાં શું બહાર આવ્યું તેની માહિતી જાહેર કરવામાં આવે. આ માટે કલેક્ટર કચેરી ખાતે પીડિત પરિવારની વચ્ચે આવીને કલેક્ટર આવેદનપત્ર સ્વીકારે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપે તેવી માંગ ઉઠી છે.
ધરણાં દરમિયાન આગેવાનોએ કલેક્ટર સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી કે તેઓ ચેમ્બર બહાર આવી પીડિત પરિવાર અને સમાજના લોકો વચ્ચે આવી તેમની રજૂઆત સાંભળે. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં વાતાવરણમાં ન્યાયની માંગને લઈને ભારે નારાજગી જોવા મળી હતી.
આંદોલનકારીઓએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય અને જાહેરમાં આવેદનપત્ર સ્વીકારવામાં નહીં આવે તો અન્ય દલિત તથા આદિવાસી સંગઠનોને પણ જોડીને આગામી દિવસોમાં વાવ-થરાદ વિસ્તારમાં ચક્કાજામ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવી શકે છે.
દરમિયાન કોંગ્રેસના આગેવાનો પણ ધરણાં સ્થળે પહોંચ્યા હતા અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે આંદોલનને સમર્થન આપ્યું હતું.
પીડિત પરિવારના સભ્યોનું કહેવું છે કે, “અમને કોઈ રાજકીય લાભ નથી જોઈતો, અમને માત્ર ન્યાય જોઈએ છે.” બીજી તરફ આંદોલનકારીઓએ તંત્રને સવાલ કર્યો હતો કે જનતાની રજૂઆત સાંભળવા માટે અધિકારીઓએ લોકો વચ્ચે આવી તેમની વાત સાંભળવી જોઈએ.
મોરીખા મર્ડર કેસમાં ન્યાયની માંગ સાથે શરૂ થયેલું ધરણાં આંદોલન બીજા દિવસે પણ ચાલુ રહેતા હવે તંત્ર આ મામલે શું પગલાં લે છે અને પીડિત પરિવારની રજૂઆત અંગે કઈ કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.





