Dhoraji: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ સુપેડી ખાતે બે ટ્રેનના વધારાના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો

તા.૧૮/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
પોરબંદર-ભાવનગર પેસેન્જર અને રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ ટ્રેન સુપેડી સ્ટોપ કરશે
ટ્રેન સમયસર અને ભાડું સસ્તું હોવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો સહિત તમામ મુસાફરો માટે ઉપયોગી
જનસુખાકારી અને જનસુવિધા વધારવા સરકાર કટિબદ્ધ
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાજડીયાળી ગામે નવનિર્મિત શ્રી રામચંદ્ર મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા
Rajkot, Dhoraji: કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ આજે ધોરાજીના સુપેડી રેલવે સ્ટેશન ખાતે પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ અને પોરબંદર-ભાવનગર પેસેન્જર ટ્રેનોના વધારાના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ બંને ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ તકે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, સુપેડીના ગ્રામજનોની માગણીને સ્વીકારીને સરકાર દ્વારા વધારાની ટ્રેનનાં સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રેન સમયસર તેમજ ભાડું સસ્તું હોવાથી નોકરિયાતો, ધંધા વ્યવસાય સાથે જોડાયેલા લોકો, વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આવાગમન માટે ટ્રેન ખૂબ જ મહત્વની અને ઉપયોગી બનશે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ટ્રેનની મુસાફરીથી સમય અને પૈસાની બચત થાય તેમજ અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાથી મુસાફરોને રાહત મળતી હોવાથી તમામ મુસાફરો માટે ટ્રેનની મુસાફરી ખૂબ જ સરળ અને વ્યાજબી મુસાફરી બની રહેશે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ટ્રેન કનેક્ટિવિટી સાથે જનસુખાકારી અને જનસુવિધામાં વધારો કરવા સરકાર કટિબદ્ધ છે. આ તકે તેમણે સુપેડી અને આસપાસનાં ગ્રામજનો અને રેલવે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
રેલવેના વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ આ તકે સુપેડી ખાતે સ્ટોપ થનાર ટ્રેનોની જાણકારી આપી હતી. જેમાં ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ તથા ટ્રેન નંબર 59557/59560 પોરબંદર-ભાવનગર-પોરબંદર પેસેન્જરને સુપેડી રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
સુપેડી સ્ટેશન પર ટ્રેનોના આગમન/પ્રસ્થાનનો સમય:
ટ્રેન નંબર 59557 પોરબંદર-ભાવનગર પેસેન્જર આગમન સમય 09:09 કલાકે, પ્રસ્થાન 09:10 કલાકે.
ટ્રેન નં. 59560 ભાવનગર-પોરબંદર પેસેન્જર આગમન 19:32 કલાકે તેમજ પ્રસ્થાન 19:33 કલાકે.
ટ્રેન નં. 19571 રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ આગમન 09:25 કલાકે, પ્રસ્થાન 09:26 કલાકે.
ટ્રેન નં. 19572 પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ ટ્રેન આગમન 18:12 કલાકે તેમજ પ્રસ્થાન 18:13 કલાકે રહેશે.
આ વધારાના સ્ટોપેજથી સુપેડી તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને રાજકોટ, પોરબંદર, ભાવનગર સહિત વિવિધ ગંતવ્યો માટે વધુ સારી રેલ કનેક્ટિવિટી તથા સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે.
આ પ્રસંગે ભાવનગર મંડળના રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, અગ્રણી શ્રી નિકુંજભાઈ કણસાગરા, રવિભાઈ માકડીયા, પારુલબેન સહિત અગ્રણીશ્રીઓ તેમજ સુપેડીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ત્યારબાદ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાજડીયાળી ગામે નવનિર્મિત શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરના ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા. અહીં કેન્દ્રીય મંત્રીશ્રી તથા વૈષ્ણવાચાર્ય શ્રી શરદકુમાર બાવાશ્રીની ઉપસ્થિતિમાં મહોત્સવનો શુભારંભ થયો હતો. આ તકે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સહિતના અગ્રણીઓ જોડાયા હતા.






