
નર્મદા : બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ‘વિરાસત: આપણી સંસ્કૃતિ, આપણો વારસો’ સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી
રાજપીપળા : જુનેદ ખત્રી
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને ‘વિરાસત: આપણી સંસ્કૃતિ, આપણો વારસો’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જનજાતીય સંસ્કૃતિ, પરંપરા, કલા, લોકજીવન અને મૂલ્યોને ઉજાગર કરવાનો તેમજ વિદ્યાર્થીઓને પોતાની સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન આશરે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ જનજાતીય નાયકોની શૌર્યગાથા, જીવનશૈલી, પરંપરા અને કળા અંગે વક્તવ્યો, લોકગીતો, પરંપરાગત વેશભૂષા અને સમૂહ નૃત્યો દ્વારા જનજાતીય સંસ્કૃતિની વિવિધ છટાઓ રજૂ કરી હતી.
કુલપતિએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં જનજાતીય સંસ્કૃતિ અને વારસાના જતન તથા સંવર્ધન માટે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની જવાબદારી પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ડૉ. મધુકરભાઈ પાડવી, કુલસચિવશ્રી તથા પ્રિન્સિપાલ, સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સ પ્રોફેસર ડૉ. રજનીકાંત પંડ્યા, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ. વિજયસિંહ વાળા, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ. શીતલબા પરમાર, પરીક્ષા નિયામક શ્રી ડૉ. અમિતકુમાર ધોકાળિયા, વિવિધ વિદ્યાશાખાનાં આચાર્યશ્રીઓ, NSS કો-ઓર્ડિનેટર ડૉ. ભગવતીબેન પારેખ, કલ્ચરલ કો-ઓર્ડિનેટર ડૉ. પંકજકુમાર રાઠોડ તથા યુનિવર્સિટીનાં તમામ શૈક્ષણિક તેમજ બિન- શૈક્ષણિક કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





