BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1ના સ્થાનિકોએ વિવિધ પ્રશ્ને નગર સેવા સદનના પ્રમુખને રજુઆત કરી સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. ૧માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વોર્ડની અંદાજે 15 જેટલી સોસાયટીના રહીશો એકત્ર થઈ નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પ્રમુખ તથા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વોર્ડ નં.1 માં 1000 થી વધુ મકાનો આવેલા છે અને રહીશો નિયમિતપણે ‘A’ ગ્રેડનો વેરો ચૂકવે છે. તેમ છતાં વિસ્તારના રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓની સ્થિતિ કથળેલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

રહીશોએ જણાવ્યું હતું કે, અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. કેટલાક સ્થળે રસ્તામાંથી લોખંડના સળિયા પણ બહાર નીકળી આવ્યા છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. પૂરતી સ્ટ્રીટ લાઇટના અભાવે અનેક વિસ્તારોમાં રાત્રે અંધારપટ છવાઈ જાય છે.

આ ઉપરાંત પીવાના પાણી અને ગટર વ્યવસ્થાની સમસ્યાઓ અંગે પણ રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. સ્થાનિકોએ કોર્પોરેટર સામે પણ આક્રોશ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે, રજૂઆત કરવા જતાં ‘તમે અમને વોટ ક્યાં આપ્યો હતો કે અમે તમારું કામ કરીએ’ જેવા જવાબો આપી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે.

આગામી ઈદે મિલાદ-ઉન-નબીના તહેવારને ધ્યાનમાં રાખીને જુલૂસના રૂટ પર આવેલા ખાડાઓ તાત્કાલિક પૂરવા, બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા તથા જરૂરિયાત મુજબ નવી લાઇટો લગાવવા અને પાણી-ગટર જેવી પાયાની સુવિધાઓનું કાયમી નિરાકરણ લાવવા રહીશોએ માંગ કરી હતી.

હવે નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાઓ અંગે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!