
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા – કાગવા ગામે ખેતરમાં બાઈક લઈ જવા બાબતે મહિલાને માર માર્યાની ફરિયાદ
ભિલોડા : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કાગવા ગામની સીમમાં ખેતરમાં બાઈક લઈ જવા બાબતે થયેલા વિવાદમાં 60 વર્ષીય મહિલાને બે ભાઈઓએ માર માર્યાની ફરિયાદ ભિલોડા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.ફરિયાદ મુજબ, તા. 18 ઓગસ્ટના રોજ સવારે આશરે 10 વાગ્યાના સમયે મહિલા પોતાના મકાઈના વાવેતરવાળા ખેતરમાં કામ કરી રહી હતી. તે દરમિયાન પાડોશી ઇરફાનભાઈ મનસુરી તેમના ખેતરમાં જવા માટે મહિલાના ખેતરમાંથી બાઈક લઈને જતા હતા. મહિલાએ બાઈક રોડ ઉપર રાખીને ખેતરમાં જવા કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આક્ષેપ મુજબ, ઇરફાનભાઈ ઉશ્કેરાઈ જઈ મહિલાને ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ તેમના ભાઈ ઇલજામભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને બંને ભાઈઓએ મહિલા સાથે ઝપાઝપી કરી હતી. ઝપાઝપી દરમિયાન ઇરફાનભાઈના હાથમાં રહેલું પ્લાસ્ટિકના હાથાવાળું દાતરડું મહિલાના કપાળના ભાગે વાગ્યું હોવાનો આક્ષેપ છે.ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, ઇલજામભાઈએ મહિલાને ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને બંનેએ ગડદા-પાટુનો માર માર્યો હતો. મહિલાની બૂમાબૂમ સાંભળી નજીકના ખેતરમાંથી કાન્તાબેન ઠાકોર દોડી આવી હતી અને વધુ મારમાંથી મહિલાને બચાવી હતી.
મહિલાએ આક્ષેપ કર્યો છે કે, બંને આરોપીઓ જતા સમયે ફરીથી ગાળો આપી જો એકલ-દોકલ મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઘટનામાં કપાળના ભાગે ઈજા થતાં મહિલાને પરિવારજનો દ્વારા ભિલોડાની કોટક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.સારવાર બાદ મહિલાએ ભિલોડા પોલીસ મથકે પહોંચી ઇરફાનભાઈ ઇસ્માલભાઈ મનસુરી અને ઇલજામભાઈ ઇસ્માઈલભાઈ મનસુરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.





