ANKLESHWARBHARUCH

અંકલેશ્વર ESIC હોસ્પિટલની કલેક્ટરશ્રી નવનાથ ગવ્હાણે દ્વારા સરપ્રાઇઝ મુલાકાત : આરોગ્ય સેવાઓ અને સુવિધાઓની સમીક્ષા કરી

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ અંકલેશ્વર
ભરૂચ- બુધવાર – શ્રમિકો અને સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર અને ઝડપી તબીબી સારવાર મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા અંકલેશ્વર સ્થિત Employees’ State Insurance Corporation (ESIC) હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, ઉપકરણો અને સુવિધાઓની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી.

સ્થળ તપાસ અને વોર્ડની મુલાકાત કલેક્ટરશ્રીએ હોસ્પિટલના ઓપીડી (OPD), ઈમરજન્સી વોર્ડ, જનરલ વોર્ડ અને દવાની વિતરણ બારીઓ સહિત વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાત લઈ ઉપલબ્ધ વ્યવસ્થાઓ ચકાસી હતી. તેમણે સારવાર અર્થે આવેલા દર્દીઓ તેમજ તેમના સગા-સંબંધીઓ સાથે વાતચીત કરી તેમને મળતી સારવાર, દવાની ઉપલબ્ધતા અને હોસ્પિટલના વાતાવરણ અંગેનો પ્રતિસાદ (ફીડબેક) મેળવ્યો હતો.

હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ અને તબીબી ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી દર્દીઓને સમયસર, ગુણવત્તાયુક્ત અને સીમલેસ સારવાર મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને આદેશો આપ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત તમામ સુવિધાઓ સુચારૂ રૂપે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.

ઔદ્યોગિક ક્ષેત્ર અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં કામ કરતા શ્રમિકો અને તેમના પરિવારજનો માટે ESIC હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે જિલ્લા પ્રશાસનની આ મુલાકાતથી આરોગ્ય સેવાઓની કામગીરી વધુ સુદ્રઢ બનશે.

Back to top button
error: Content is protected !!