WAKANER:વાંકાનેર 108ની ટીમે રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ, માતા-બાળકીનો જીવ બચાવ્યો




WAKANER:વાંકાનેર 108ની ટીમે રસ્તામાં જ કરાવી સફળ પ્રસૂતિ, માતા-બાળકીનો જીવ બચાવ્યો

વાંકાનેર, તા. 26 ઓગસ્ટ, 2026: જ્યારે જીવન અને મોત વચ્ચેની ક્ષણિક જંગ હોય ત્યારે 108 ઇમરજન્સી સેવા ખરા અર્થમાં ‘દેવદૂત’ બનીને માનવજીવન બચાવતી હોય છે. આવો જ એક કાબિલે-તારીફ બનાવ વાંકાનેર 108ની ટીમે સર્જ્યો હતો. ટંકારા પંથકના સજનપર ગામના વાડી વિસ્તારમાંથી પ્રસૂતિની પીડાનો ઇમરજન્સી કોલ મળતાં 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી માતા તથા નવજાત બાળકીનો જીવ બચાવ્યો હતો.

સમય સામેની દોડમાં 108 બની જીવનરક્ષક
બપોરે આશરે 3 વાગ્યે 31 વર્ષીય પ્રસૂતા અરુણાબેન લક્ષ્મણભાઈ નાયકા માટે ઇમરજન્સી લેબર પેઇનનો કોલ મળ્યો હતો. 108ની ટીમ દર્દીને હોસ્પિટલ તરફ લઈ જઈ રહી હતી ત્યારે રસ્તામાં પ્રસૂતિની પીડા અત્યંત વધી ગઈ હતી અને તાત્કાલિક પ્રસૂતિ કરાવવી જરૂરી બની હતી.
આ કટોકટીભરી સ્થિતિમાં વાંકાનેર 108ના EMT વિશાલ સરવૈયાએ સહેજ પણ ગભરાયા વગર ERCP ડૉ. ક્રિષ્ના મેડમ પાસેથી ટેલિફોનિક માર્ગદર્શન મેળવ્યું હતું. ડૉક્ટરની સૂચનાઓ અને પોતાની તબીબી કુશળતાના આધારે તેમણે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી હતી.
‘લાઈફ સપોર્ટ ઓન વ્હીલ્સ’નું ઉત્તમ ઉદાહરણ
પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકી બંનેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા જરૂરી હોવાથી પાયલોટ લાલાજી પ્રાલિયાએ સમય સામેની દોડમાં અત્યંત કુશળતાપૂર્વક એમ્બ્યુલન્સ હંકારી હતી. લઘુત્તમ સમયમાં બંનેને વાંકાનેર સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાં મેડિકલ પ્રોટોકોલ મુજબ માતા અને બાળકીના વાઈટલ્સની તપાસ કરી તેમને સ્થિર રાખવામાં આવ્યા હતા.
વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડૉ. અભિષેક સાહેબે 108ની ટીમની ત્વરિત કામગીરી, સમયસૂચકતા અને માનવતાભરી સેવાભાવનાને બિરદાવી હતી. સમયસર મળેલી સારવારના કારણે માતા અને બાળકી બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારની આંખોમાં ખુશીના આંસુ મુશ્કેલીની ઘડીએ 108ની ટીમે દાખવેલી હિંમત અને સમયસૂચકતાથી માતા તથા નવજાત બાળકી સુરક્ષિત રહેતાં પરિવારજનો ભાવુક બની ગયા હતા. પરિવારજનોએ 108ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે 108 માત્ર એમ્બ્યુલન્સ સેવા નથી, પરંતુ કટોકટીની ઘડીએ જીવન બચાવતી ‘જીવનરક્ષક સારથી’ છે. EMT વિશાલ સરવૈયા, પાયલોટ લાલાજી પ્રાલિયા અને સમગ્ર 108 ટીમની કામગીરીને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે.


