ધાંગધ્રામાં ટ્રાફિકની ‘ફિલોસોફી’ કે ખરેખર નિરાકરણ? દંડાત્મક કામગીરી વચ્ચે શહેરીજનોના તીખા સવાલો
3 મહિના બાદ પણ ‘ફ્લેગ માર્ચ’ કે ફૂટ પેટ્રોલિંગનો અભાવ, પોઈન્ટ પર તૈનાતી છતાં ટ્રાફિક બેકાબૂ કેમ?

તા.27/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

3 મહિના બાદ પણ ‘ફ્લેગ માર્ચ’ કે ફૂટ પેટ્રોલિંગનો અભાવ, પોઈન્ટ પર તૈનાતી છતાં ટ્રાફિક બેકાબૂ કેમ? સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધુ વિકટ બની રહી છે. શાક માર્કેટ, શક્તિ ચોક અને રાજકમલ ચોક જેવા મુખ્ય વેપારી વિસ્તારોમાં વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. પોલીસ વિભાગ દ્વારા વિવિધ પોઈન્ટ પર પોલીસ, ટીઆરબી અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવા છતાં, વાસ્તવિક સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળતો નથી. શહેરીજનોનો આક્ષેપ છે કે પોલીસ તંત્રનું ધ્યાન માત્ર ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા પર જ કેન્દ્રિત છે.વાહનચાલકોના બાઇક ડિટેઇન કરી રૂ. 500થી રૂ. 3,000 સુધીના દંડ અને આરટીઓ મેમો આપવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સામાન્ય નાગરિકો સામે દંડાત્મક પગલાં લેવાય છે, પરંતુ બજાર વિસ્તારમાં યોગ્ય પાર્કિંગ સુવિધા ઊભી કરવા કે અડચણરૂપ દબાણો હટાવવા માટે કોઈ નક્કર આયોજન કરાતું નથી.મુખ્ય ચોક અને પોઈન્ટ્સ પર જવાનો હાજર હોવા છતાં ટ્રાફિકનું નિયંત્રણ શા માટે થતું નથી, તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર વાહનો રોકવા અને મેમો ફાડવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવવાનો નથી. ટ્રાફિકનું મૂળ કારણ શોધીને સતત નિયમન કરવું જરૂરી છે. ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એ ચાર્જ સંભાળ્યાને આશરે ત્રણ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે પોલીસની ‘ફ્લેગ માર્ચ’ કે ફૂટ પેટ્રોલિંગ જોવા મળ્યું નથી. માત્ર પોલીસ સ્ટેશનમાંથી સૂચનાઓ આપવાને બદલે જવાબદાર અધિકારીઓ પોતે રસ્તા પર ઉતરીને સ્થિતિનું નિરીક્ષણ કરે તેવી માંગ ઉઠી રહી છે. પોલીસની દેખીતી હાજરી વધે તો જ અસામાજિક તત્વો અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ પર અસરકારક લગામ કસી શકાય. ધાંગધ્રાના નાગરિકો હવે માત્ર મેમોના આંકડા નહીં, પરંતુ રસ્તા પર ટ્રાફિકમુક્તિનું પરિણામ જોવા ઈચ્છે છે. સમસ્યાના કાયમી નિરાકરણ માટે નીચે મુજબના પગલાં ભરવા જરૂરી છે શહેરના મુખ્ય માર્ગો અને ચોક પર ટ્રાફિકની ઘનતાનો યોગ્ય અભ્યાસ કરવો, બજાર અને વેપારી વિસ્તારોમાં વાહનો માટે યોગ્ય પાર્કિંગ ઝોન નક્કી કરવા, રસ્તા પર અડચણરૂપ થતાં અસ્થાયી દબાણો સામે યોગ્ય કાર્યવાહી કરવી, હવે જોવાનું એ રહે છે કે ધાંગધ્રા સીટી પોલીસનું ઉચ્ચ તંત્ર માત્ર દંડ વસૂલીને સંતોષ માનશે કે પછી રસ્તા પર ઉતરીને શહેરને આ ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવશે.



