
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુરના લાલજીના પહાડિયા ગામે યુવક પર હુમલાનો આક્ષેપ – ગડદાપાટુ અને લાકડાના પાવડાના હાથા વડે માર માર્યાની ઘટના
અરવલ્લી | માલપુર
માલપુર તાલુકાના લાલજીના પહાડિયા ગામે મોટરસાઇકલ પર શાકભાજી લેવા જઈ રહેલા યુવકને રસ્તામાં રોકી લાતો, ગડદાપાટુ અને લાકડાના પાવડાના હાથા વડે માર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, તા. 23 ઓગસ્ટની સાંજે રણજીતભાઈ રમણભાઈ ખાંટ મોટરસાઇકલ લઈને વાવડી ગામે શાકભાજી લેવા જઈ રહ્યા હતા. દરમિયાન હિતેશભાઈ કાળાભાઈ ખાંટના ઘર નજીક શનાભાઈ હુરાભાઈ ખાંટ સીએનજી રિક્ષા લઈને સામેથી આવ્યા હતા. રણજીતભાઈએ રિક્ષા સાઇડમાં કરવા કહેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.આ દરમિયાન હિતેશભાઈ કાળાભાઈ ખાંટ, કાળાભાઈ સાયબાભાઈ ખાંટ તથા રણજીતભાઈ નામના અન્ય શખ્સ ત્યાં આવી ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદી રાયમલભાઈ જેઠાભાઈ ખાંટના જણાવ્યા મુજબ, ચારેય શખ્સોએ રણજીતભાઈ સાથે મારામારી શરૂ કરી હતી

આક્ષેપ મુજબ, હિતેશભાઈએ રણજીતભાઈના પેટ અને પેઢુના ભાગે લાતો મારી હતી, જ્યારે કાળાભાઈના હાથમાં રહેલા લાકડાના પાવડાના હાથા વડે રણજીતભાઈના માથામાં માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને નીચે પાડી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.બૂમાબૂમ થતાં પરિવારના સભ્યો અને અન્ય લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને વચ્ચે પડી રણજીતભાઈને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ ગાળો બોલી ફરી એકલા મળી આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની જાણ થતાં 112 પોલીસ તથા 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત રણજીતભાઈને સારવાર માટે માલપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ મામલે રાયમલભાઈ જેઠાભાઈ ખાંટે હિતેશભાઈ કાળાભાઈ ખાંટ, શનાભાઈ હુરાભાઈ ખાંટ, કાળાભાઈ સાયબાભાઈ ખાંટ અને અન્ય રણજીતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.



