NATIONAL

પશ્ચિમ બંગાળમાં SIR થકી કમી કરેલા મતદારોમાંથી ૯૧% મતદારો ઉમેરાતા સરકાર પર ‘વોટ ચોરી’નો આક્ષેપ !!!

પશ્ચિમ બંગાળમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હેઠળ અંદાજે 27 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવાયા હતા. ત્યારબાદ પ્રભાવિત નાગરિકોને પોતાના વાંધા અને દાવા રજૂ કરવાની તક અપાઈ હતી. આ પ્રક્રિયા માટે ચૂંટણી પંચે બનાવેલી ટ્રિબ્યુનલો દ્વારા જે કેસોનો અત્યાર સુધીમાં નિકાલ કરવામાં આવ્યો છે, તેમાંથી આશરે 91% દાવાઓ યોગ્ય ઠર્યા છે અને તે તમામના નામ ફરીથી મતદાર યાદીમાં સામેલ કરી લેવાયા છે. આ વિગતો બહાર આવતા જ કોંગ્રેસે પીએમ મોદી અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વચ્ચેની મિલીભગતનો દાવો કરીને ‘વોટ ચોરી’નો આકરો આક્ષેપ કર્યો છે.

ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે ટ્રિબ્યુનલો દ્વારા અત્યાર સુધીમાં 82,782 અપીલોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આ પૈકી 91% એટલે કે 75,443 નામોને ફરીથી વોટર લિસ્ટમાં સામેલ કરી લેવાયા છે, જ્યારે 8.86% જેટલા (7,339) દાવાઓ જ રદ કરવામાં આવ્યા છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવતા કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પૂર્વે SIR યોજીને નાગરિકોના નામ કમી કરવા અને ચૂંટણી પત્યા બાદ તેને ફરી જોડવા એ લોકોનો મતાધિકાર છીનવવાનું વ્યવસ્થિત કાવતરું છે. આ સાથે જ કોંગ્રેસે બે મહિના અગાઉ પશ્ચિમ બંગાળની એક સરકારી બિલ્ડિંગમાં લાગેલી આગમાં વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી 4,000 EVM ખાખ થઈ જવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસ સાંસદ ઈશા ખાન ચૌધરીએ RTI જવાબનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ‘SIR પ્રક્રિયા દરમિયાન 27,28,500 લોકોને અયોગ્ય જાહેર કરાયા હતા, પરંતુ તેની સામે 38,10,620 અપીલો દાખલ થઈ હતી. એટલે કે મૂળ સંખ્યા કરતાં 10,82,120 વધુ અપીલો નોંધાઈ હતી. સાંસદે સવાલ ઉઠાવ્યો કે શું આ વધારાની અપીલો ચૂંટણી પંચ દ્વારા એવા મતદારોને હટાવવા માટે કરવામાં આવી હતી જેઓ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી ચૂક્યા હતા? 91% નામો ફરીથી ઉમેરાવા તે દર્શાવે છે કે શરૂઆતમાં સાચા મતદારોના નામ ખોટી રીતે હટાવવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં SIR પ્રક્રિયાને પડકારનારા કોંગ્રેસ નેતા પ્રોસેનજિત બોસે જણાવ્યું હતું કે કમી કરાયેલા 27 લાખ મતદારોમાંથી માત્ર 7 લાખ નાગરિકો જ જાતે અપીલ દાખલ કરી શક્યા છે, જ્યારે બાકીની અપીલો ચૂંટણી પંચ અથવા અન્ય લોકો દ્વારા સામૂહિક રીતે નામ હટાવવા માટે કરાઈ છે. કોંગ્રેસે કોલકાતા અને હાવડા મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટને આ અપીલોના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવા વિનંતી કરી છે.

જિલ્લાવાર વિગતો જોઈએ તો, મુર્શિદાબાદમાં સૌથી વધુ 7,47,305 અપીલો દાખલ થઈ હતી (જેમાંથી 434 બહાલ અને 53 રદ થયા). માલદામાં 5,31,149 અપીલોમાંથી તમામ 1,471 નિકાલ થયેલા કેસોમાં નામ બહાલ કરાયા હતા. ઉત્તર 24 પરગણામાં તમામ 277 નિકાલ થયેલા કેસો અને દક્ષિણ 24 પરગણામાં 20,107 નામો ઉમેરાયા હતા. આ ઉપરાંત હુગલીમાં 19,528 નામો પાછા ઉમેરાયા હતા, જ્યારે દાર્જિલિંગમાં 50,712 અપીલોમાંથી 159 નામો ઉમેરાયા હતા અને માત્ર 1 દાવો ફગાવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!