MORBI:મોરબી કોપર વાયર ચોરીનો અનડીટેક્ટ ગુનો ઉકેલાયો, ₹૮૦,૦૦૦ નો મુદ્દામાલ રિકવર




MORBI:મોરબી કોપર વાયર ચોરીનો અનડીટેક્ટ ગુનો ઉકેલાયો, ₹૮૦,૦૦૦ નો મુદ્દામાલ રિકવર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક દુકાનમાંથી થયેલી કોપર વાયરની અણઉકેલાયેલ (અનડીટેક્ટ) ચોરીના ગુનાનો મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે મુદ્દામાલ રિકવર કરીને બે આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કોપર વાયર ચોરીનો ગુનો વણશોધાયેલ હોય, પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા શખ્સો અને ચોરાયેલ મુદ્દામાલ શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી.

દરમિયાન સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ માધ્યમોથી ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ઘુંટુ ગામની સીમમાં આઈ.ટી.આઈ. ની બાજુમાં આવેલ ઝાડી-ઝાંખરામાંથી નીચે મુજબના ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા:રાકેશભાઇ ભુપતભાઇ શકેરા (રહે. કુળદેવી પાન પાસે, મફતીયાપરા, મોરબી-૦૨) રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા (રહે. આઈ.ટી.આઈ. પાછળ, ઘુંટૂ, મૂળ ગામ-સરવડ, તા. માળીયા મીં.) એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પોલીસે સ્થળ પરથી ચોરીમાં ગયેલ ૮૦ કી.ગ્રા. શુદ્ધ કોપર વાયર (કિંમત રૂ. ૧૮,૦૦૦/-) અને રોકડા રૂ. ૬૨,૦૦૦/- મળી કુલ રૂ. ૮૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન આ ચોરીમાં અન્ય એક શખ્સ જયેશભાઇ ઉર્ફે ભાણો ચમનભાઇ કુંઢીયા (રહે. આઈ.ટી.આઈ. પાછળ, ઘુંટૂ) નું નામ પણ ખૂલવા પામ્યું છે. પોલીસે આ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આગળની ચક્ર ગતિમાન કર્યા છે.


