MORBI:મોરબીના ખોખરા હનુમાન રોડ પર શ્રમિકોને છરી બતાવી લૂંટ: ચલાવી ફરાર




MORBI:મોરબીના ખોખરા હનુમાન રોડ પર શ્રમિકોને છરી બતાવી લૂંટ: ચલાવી ફરાર

મોરબીના ખોખરા હનુમાન રોડ પર મોડી રાત્રે જમીને પરત ફરી રહેલા શ્રમિકોને આંતરીને લૂંટ ચલાવવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પીળા રંગના સુઝુકી એક્સેસ સ્કૂટર પર આવેલા ત્રણ અજાણ્યા બદમાશોએ શ્રમિકોને છરી બતાવી, મારી નાખવાની ધમકી આપીને ૨ મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે.

ઘટનાની વિગત મુજબ, મૂળ બનાસકાંઠાના મીઠા વીચારણ ગામના વતની અને હાલ ખોખરા હનુમાન રોડ પર આવેલ પોલો સર્કલ પેપરમીલની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા ૧૮ વર્ષીય રાહુલભાઈ વેલાભાઈ વાલીડીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાહુલભાઈ તેમના સાથીદારો રાણાભાઈ અને સુરજભાઈ સાથે ભરતનગરથી ખોખરા હનુમાન તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આશરે ૩૦ થી ૩૫ વર્ષની વયના ત્રણ અજાણ્યા ઇસમો પીળા રંગના સુઝુકી એક્સેસ પર આવ્યા હતા. ત્રણેય બદમાશોએ શ્રમિકોને આંતરી, છરી બતાવી ભયનો માહોલ ઊભો કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી.
લૂંટારુઓએ શ્રમિકો પાસેથી બળજબરીપૂર્વક:૨ મોબાઈલ ફોન (કિંમત આશરે રૂ. ૧૦,૦૦૦/-) રોકડ રકમ (રૂ. ૧,૦૦૦/-) આમ, કુલ રૂ. ૧૧,૦૦૦/- નો મુદ્દામાલ પડાવીને ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હતા.આ બનાવ અંગે રાહુલભાઈ વાલીડીયાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


