GUJARATKUTCHMUNDRA

સોશિયલ મીડિયા પર ચાલતા ‘ઓનલાઈન શોપિંગ ફ્રોડ’ થી સાવધાન: યોગ્ય પગલાં લેવા રતાડીયા જલારામ સખી મંડળે પ્રધાનમંત્રીને કરી રજુઆત 

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

સોશિયલ મીડિયા પર ચાલતા ‘ઓનલાઈન શોપિંગ ફ્રોડ’ થી સાવધાન: યોગ્ય પગલાં લેવા રતાડીયા જલારામ સખી મંડળે પ્રધાનમંત્રીને કરી રજુઆત 

 

રતાડિયા (કચ્છ), ૨૯ ઓગસ્ટ ૨૦૨૬:

 

રતાડિયા ગામના જાગૃત નાગરિક અને વડીલ પ્રકાશ ઠક્કર સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબુક/ઇન્સ્ટાગ્રામ) પર ચાલતી એક લોભામણી જાહેરાત દ્વારા ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમણે ‘પ્રાઈમ બેઝિક્સ્સ’ નામની વેબસાઇટ પરથી ક્રેડિટ કાર્ડ દ્વારા રૂપિયા ૭૧૨ ચૂકવીને ‘૧૨૦ વોટ ફાસ્ટ ચાર્જર’ ઓર્ડર કર્યું હતું. પરંતુ કુરિયર બોક્સ ખોલતા અંદરથી તદ્દન સસ્તું અને જૂનું સેમસંગ કંપનીનું સામાન્ય ૯ વોટ ચાર્જર નીકળ્યું હતું. ગ્રાહકે કંપનીના આપેલા સત્તાવાર ઈમેલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ઈમેલ આઈડી પણ નકલી અને બંધ હોવાનું માલૂમ પડ્યું હતું.

 

પોલીસ કમિશનર ઓફિસની બાજુમાં બેસીને કૌભાંડ!:

 

આ બાબતે જલારામ સખી મંડળ દ્વારા જ્યારે ગૂગલ મેપ અને ઓનલાઈન માધ્યમોથી વધુ તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે આ ફ્રોડ કંપનીએ પોતાનું સરનામું સેક્ટર ૨૧-ડી, ફરીદાબાદ (હરિયાણા) દર્શાવ્યું છે જે બિલકુલ ‘ઓફિસ ઓફ કમિશનર ઓફ પોલીસ, ફરીદાબાદ’ (સેક્ટર ૨૧-સી) ની બાજુમાં આવેલું છે. કાયદાના રક્ષકોની નાકની નીચે બેસીને આ નકલી કંપનીઓ દેશભરના ભોળા નાગરિકોને છેતરી રહી છે.

 

નેશનલ હેલ્પલાઇનની બેજવાબદારી ભરી નીતિ સામે આક્રોશ:

 

પીડિત ગ્રાહકે ગત ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ કેન્દ્ર સરકારના ગ્રાહક મંત્રાલયની ‘નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (૧૯૧૫)’ પર વિધિવત ફરિયાદ (ગ્રીઈવાન્સ નંબર ૯૯૨૯૨૦૭) નોંધાવી હતી. પરંતુ અત્યંત ખેદજનક બાબત છે કે ૧૫ દિવસ વીતી જવા છતાં ઓનલાઈન સ્ટેટસ “નોટ પ્રોસેસડ યેટ” (હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી) બતાવે છે. એક તરફ સરકારી તંત્ર ફરિયાદ નિવારણમાં ધીમું ચાલી રહ્યું છે તો બીજી તરફ આ ફ્રોડ કંપનીઓ દરરોજ સોશિયલ મીડિયા પર નવી નવી જાહેરાતો મૂકીને હજારો લોકોને શિકાર બનાવી રહી છે.

 

વડાપ્રધાન કાર્યાલય અને સાયબર સેલમાં ધા:

 

ગામના વડીલ સાથે થયેલા આ અન્યાય સામે રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન ઠક્કરે કડક વલણ અપનાવ્યું છે. સખી મંડળ દ્વારા આ સમગ્ર કૌભાંડ અંગે વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ વિભાગ, એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ અને એક્સિસ બેંકના ચાર્જબૅક ડિપાર્ટમેન્ટમાં સત્તાવાર પુરાવાઓ સાથે કાયદેસરની રજૂઆત કરવામાં આવી છે. મંડળે ગ્રાહકને થયેલા માનસિક ત્રાસ અને કાનૂની લડતના ખર્ચના રૂપિયા ૧૦,૦૦૦ સહીત રૂપિયા ૧૦,૭૧૨ ના વળતરની માંગ પણ કરી છે.

 

સખી મંડળની જાહેર જનતાને નમ્ર અપીલ:

૧. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર આવતી અજાણી બ્રાન્ડ કે સસ્તા ઇલેક્ટ્રોનિક્સ સાધનોની જાહેરાતો પર વિશ્વાસ કરીને ક્યારેય એડવાન્સ પેમેન્ટ કરવું નહીં.

૨. કોઈપણ વેબસાઇટ પરથી ખરીદી કરતા પહેલા તેનો કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી સાચો છે કે નહીં તે ખાસ ચકાસી લેવું.

૩. જો તમારી સાથે આવો કોઈ ફ્રોડ થાય, તો ચૂપ બેસી રહેવાને બદલે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૧૫/૧૯૩૦ પર જાણ કરવી.

4. સરકારી હેલ્પલાઇનની લાચારી કે ‘પગે કમાડ વાસવાની’ નીતિ?: સામાન્ય રીતે ઓનલાઈન ફ્રોડ થાય ત્યારે સરકાર સાયબર હેલ્પલાઇન (૧૯૩૦) પર કોલ કરવાની સલાહ આપે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે પીડિત વડીલે આ નંબર પર ફોન કર્યો ત્યારે તેમને નજીકના પોલીસ સ્ટેશન જવાની સલાહ આપીને સાયબર હેલ્પલાઇને પણ હાથ ઊંચા કરી લીધા હતા! હવે સવાલ એ થાય છે કે રૂપિયા ૭૧૨ જેવી રકમ માટે ગામડાના કોઈ વડીલ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જંઝટમાં પડે ખરા? અને જાય તો પણ નાની રકમના દાવા માટે મોટો ખર્ચ થતા ઘાટ કરતા ઘડામણ મોઘું પડે એવો તાલ થાય. સરકારી હેલ્પલાઇનો (૧૯૧૫/૧૯૩૦) ના આવા બેજવાબદારી ભર્યા વર્તનને કારણે જ ફ્રોડ કરનારા તત્વો વધુ બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે. નાની રકમના ફ્રોડ માટે પોલીસ સ્ટેશન જવાને બદલે ઓનલાઈન ફરિયાદ લેવાની વ્યવસ્થા થાય અને આ માટે હેલ્પલાઇન અધિકારીને છેતરાયેલા લોકો સાથે વાતચીત કરવાની યોગ્ય તાલીમ આપવામાં આવે એવી રતાડીયાના જલારામ સખી મંડળના પ્રમુખએ સરકારને વિનંતી સાથે માંગ કરી છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!