GUJARATKUTCHMUNDRA

કેરા સ્વામિનારાયણ મંદિરે હિંડોળા ઉત્સવ અને દિવ્ય ગુફા પ્રદર્શન: રવિવારે દર્શનનો અંતિમ દિવસ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કેરા સ્વામિનારાયણ મંદિરે હિંડોળા ઉત્સવ અને દિવ્ય ગુફા પ્રદર્શન: રવિવારે દર્શનનો અંતિમ દિવસ

 

કેરા (ભુજ), તા. ૨૯:

ભુજ તાલુકાના કેરા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અષાઢ-શ્રાવણ માસ દરમિયાન યોજાયેલો ભવ્ય હરિ હિંડોળા ઉત્સવ અને વિશેષ રૂપે તૈયાર કરાયેલી દિવ્ય ગુફા પ્રદર્શન સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ચોમાસાની ઋતુમાં ભગવાનને સુખ આપવા અને ભક્તો પોતાના હાથ વડે દોરી ખેંચીને પ્રભુને ઝૂલાવીને નિકટતાનો અનુભવ કરે તે માટે હિંડોળા દર્શન કરાવવામાં આવે છે.

આ વર્ષે મંદિરના હરિભક્તો અને યુવક મંડળ દ્વારા અત્યંત બારીક કુશળતા તેમજ શ્રદ્ધાપૂર્વક ‘વેસ્ટમાંથી બેસ્ટ’ થીમ આધારિત ૧૮થી વધુ અનોખા હિંડોળા અને ભગવાન નીલકંઠ વર્ણી (બાળ ઘનશ્યામ મહારાજ) ના જીવન ચરિત્ર તેમજ પવિત્ર યાત્રાધામો દર્શાવતી આકર્ષક ગુફા તૈયાર કરવામાં આવી છે.

ટૂંકમાં હિંડોળાની કલાત્મક વિગતો જોઈએ તો :

 * વેસ્ટ તથા સ્ટેશનરી સામગ્રી: આઇસક્રીમ સ્ટીક્સ, પેન્સિલના છોલ, પ્લાસ્ટિકની ચમચી-ચમચા, બોટલના ઢાંકણાં, ઈયરબડ્સ, ચકરડી-લવિંગિયા ફટાકડા, ચાંદલા, બટન, મોતી અને સીડી.

 * કુદરતી અને પરંપરાગત આર્ટ: પીપળાના કલાત્મક પાંદડાં, કલરફુલ ચણીબોર/બીજ, અનાજના દાણા, સોનેરી દોરી, કચ્છનું પરંપરાગત લિપન આર્ટ તેમજ મા સરસ્વતી સ્તોત્ર અંકિત હિંડોળા.

 * મનોહર કૃતિઓ અને બેકડ્રોપ: મોર-ઢેલની જોડી, પતંગિયા, હૃદય શેપની વેલ, ગણેશજી, સુશોભિત ફુલછોડ અને રાધા-કૃષ્ણ તથા બાળ બાલકૃષ્ણના દિવ્ય મનોરથો.

 

આકર્ષક ગુફા અને યાત્રાધામોની ઝાંખી:

મંદિર પરિસરમાં કૃત્રિમ પહાડ, ઝરણાં, વોટરફોલ અને લટકતા પૂલ સાથે બનાવેલી આ ગુફામાં નીલકંઠ વર્ણીના વનવિચરણના પ્રસંગો તથા મુખ્ય ધામોના દ્રશ્યો ઉપસાવવામાં આવ્યા છે:

 * મુક્તિનાથ અને પશુપતિનાથ: મુક્તિનાથ ક્ષેત્રમાં ગૌમુખી જળધારા (૧૦૮ ગોમુખમાંથી વહેતી જળધારા) અને નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ.

 * કેદારનાથ અને બદ્રીનાથ: હિમાલયની બરફાચ્છાદિત શ્રૃંખલાઓ વચ્ચે સ્થિત કિલકિલાટ કરતા કેદારનાથ અને બદ્રીનાથ ધામ.

 * સરયૂ નદી અને માનસરોવર: અયોધ્યાની સરયૂ નદી કિનારે કૌશિકદત રાક્ષસનો પ્રસંગ અને માનસરોવરના જળમાં તરતા રાજહંસ.

 * હબસી અને હિંસક પ્રાણી પ્રસંગ: શ્રીપુર-જોશીમઠ ખાતે વનવિચરણ દરમિયાન સિંહ અને ચિત્તા જેવા પ્રાણીઓ વચ્ચે વરણીવેશની શાંત મુદ્રા.

 * શિવપૂજન દર્શન: વડલાના વૃક્ષ નીચે સ્થાપિત શિવલિંગ પર જળાભિષેક કરતા વરણીવેશ.

મંદિરના વિશાળ ચોકમાં બનાવવામાં આવેલો ફુવારો અને લાઈટિંગ આધારિત શિવજીનો પહાડ પણ દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. દરરોજ સાંજે હિંડોળા દર્શન સાથે કીર્તનની રમઝટથી સમગ્ર કેરા ધામ ભક્તિમય બની ગયું છે.

આ દિવ્ય હિંડોળા અને ગુફા પ્રદર્શનનો આવતીકાલે રવિવારે અંતિમ દિવસ હોતા સમગ્ર કચ્છની ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે પધારી આ અલૌકિક દર્શનનો લાભ લેવા સ્વામિનારાયણ મંદિર કેરાના સંતો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!