મરોલી: વાયરલ વીડિયોએ ખોલ્યો દારૂના ધંધાનો ભાંડો! બે મહિલા બુટલેગર ઝડપાઈ, રૂ.64,400નો મુદ્દામાલ કબજે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ઉંભરાટ ગામે મહિલા બુટલેગરનો દારૂ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વાયરલ વીડિયોમાં દેખાતી TVS જ્યુપિટરનો નંબર GJ-21-DE-5952 આધારે તપાસ કરતાં પોલીસ સીધી આરોપીઓ સુધી પહોંચી હતી.
પોલીસ તપાસમાં આ મોપેડ બેલાબેન ટંડેલ, રહે. બોરસી માછીવાડ ગામ, જલાલપોરના નામે હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેમના ઘરે દરોડો પાડતાં બેલાબેન તથા તેમની માતા રેખાબેન એચ. ટંડેલ હાજર મળી આવ્યા હતા.
ઘરની બાજુમાં વીડિયોમાં દેખાતી મોપેડની તપાસ કરતાં તેના આગળના ભાગે રાખેલી બે પ્લાસ્ટિકની થેલીઓમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 96 બોટલો, કિંમત રૂ.14,400, મળી આવી હતી. પોલીસે દારૂ તથા TVS જ્યુપિટર મોપેડ કિંમત રૂ.50,000 મળી કુલ રૂ.64,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે બન્ને મહિલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે રેણુકાબેન, રહે. દીપલાગામ, જલાલપોરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ અને નવસારી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયની સૂચનાથી મરોલી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. ગાબાણીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.


