SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં 79 શાહુકારોના લાયસન્સ રદ્દ; 3 વર્ષ માટે નવા રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ

વ્યાજખોરો પર સરકારી તંત્રનો ડિજિટલ સકંજો, નવું રજિસ્ટ્રેશન મેળવવા પર 3 વર્ષનો બૅન

તા.29/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વ્યાજખોરો પર સરકારી તંત્રનો ડિજિટલ સકંજો, નવું રજિસ્ટ્રેશન મેળવવા પર 3 વર્ષનો બૅન, સુરેન્દ્રનગર જિલ્લામાં નાણાંની ધીરધારની પ્રવૃત્તિઓ કાયદેસર, પારદર્શક અને નિયમાનુસાર હાથ ધરવામાં આવે તેમજ સામાન્ય નાગરિકોનું આર્થિક શોષણ ન થાય તે હેતુથી શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર કોમલ કે. ચૌધરી તથા સહકારી અધિકારી નિકુલગીરી એન. ગોસ્વામીની માર્ગદર્શિકા હેઠળ જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન ચકાસણી અને દેખરેખની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન ‘ગુજરાત નાણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમ- ૨૦૧૧’ ની વિવિધ જોગવાઈઓ તેમજ લાયસન્સની નિયત શરતોનું પાલન ન કરનાર કુલ ૭૯ શાહુકારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત આ તમામ ૭૯ શાહુકારોના લાયસન્સ કલમ-૧૫(૧) હેઠળ તત્કાલ અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કલમ-૧૫(૨) હેઠળ આ તમામ ૭૯ શાહુકારોને હુકમની તારીખથી ત્રણ વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં નવું રજિસ્ટ્રેશન મેળવવા માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. નાગરિકોને ગેરકાયદેસર વ્યાજ વસૂલાત અને આર્થિક શોષણથી બચાવવા માટે તંત્ર દ્વારા ધિરાણના પ્રકાર મુજબ નિયત કરાયેલા મહત્તમ વ્યાજ દર અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. કાયદા અનુસાર, તારણવાળા ધિરાણ માટે વાર્ષિક મહત્તમ ૧૨% વ્યાજ દર અને વગર તારણના ધિરાણ માટે વાર્ષિક મહત્તમ ૧૫% વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે. આથી, જો કોઈ શાહુકાર કે નાણાં ધીરનાર વ્યક્તિ દ્વારા નિયત મહત્તમ દર કરતાં વધુ વ્યાજ વસૂલવામાં આવતું હોય તો નાગરિકોને સતર્ક રહેવા અને તુરંત જ સંબંધિત કચેરીનો સંપર્ક કરી જાણ કરવા અપીલ કરવામાં આવી છે. તંત્રની આ ચકાસણી દરમિયાન કેટલાક શાહુકારો દ્વારા કાયદા હેઠળ કરવાની થતી ફરજિયાત કાયદાકીય કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ ધારક શાહુકારોએ કાયદા અનુસાર નિયમિતપણે ચોક્કસ શરતોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમ-૨૦૧૧ ની કલમ-૨૧(૧) હેઠળ જરૂરી માસિક હિસાબો અને પત્રકો નિયમિત રીતે કચેરીમાં રજૂ કરવાના રહે છે. આ ઉપરાંત, દરેક નાણાકીય વર્ષના ધિરાણ વ્યવહારોના હિસાબોનું નિયત સમયમર્યાદામાં વાર્ષિક ઓડિટ કરાવવું અને તેનો રિપોર્ટ કચેરીમાં જમા કરાવવો ફરજિયાત છે. ટર્નઓવરના નિયમો મુજબ રૂ. ૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતાના વૈધાનિક ઓડિટર પાસે અને રૂ. ૫૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસેથી વાર્ષિક ઓડિટ કરાવવાનું રહે છે. સાથે જ લાયસન્સની મુદત પૂર્ણ થાય તે પહેલાં રિન્યુઅલની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી આવશ્યક છે. નાગરિકોને વિશેષ અનુરોધ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારનું ધિરાણ કે લોન લેતી વખતે સંબંધિત શાહુકારનું લાયસન્સ માન્ય છે કે નહીં, વસૂલવામાં આવતો વ્યાજ દર કાયદેસર મર્યાદામાં છે કે નહીં તથા ધિરાણની અન્ય શરતો નિયમોનુસાર છે કે નહીં તેની પૂરતી ચકાસણી કરીને જ નાણાકીય વ્યવહારો કરવા. જો કોઈ પણ શાહુકાર દ્વારા ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલવામાં આવતું હોય, નિયમોનું ઉલ્લંઘન થતું જણાય કે અનિયમિતતા સામે આવે તો તુરંત જ સરકારી કચેરીનો સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!