MORBI:મોરબી માર્કેટિંગ યાર્ડની 14 બેઠકો માટે ચૂંટણીનો જંગ જામ્યો




MORBI:મોરબી માર્કેટિંગ યાર્ડની 14 બેઠકો માટે ચૂંટણીનો જંગ જામ્યો


મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણી જાહેર થતાં જ સ્થાનિક સહકારી અને રાજકીય ક્ષેત્રે ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે, જેને પગલે વિવિધ દાવેદારો અને પેનલોમાં ઉત્સાહનો માહોલ છે.

આ વખતે ખેડૂત અને વેપારી વિભાગની મળીને કુલ ૧૪ બેઠકો માટે આગામી તા. ૯ સપ્ટેમ્બરે મતદાન યોજાશે. મોરબી યાર્ડની આ ચૂંટણીમાં કુલ ૧,૫૫૮ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સત્તાનું ભવિષ્ય નક્કી કરશે.

સહકારી ક્ષેત્રના વર્ચસ્વની વાત કરીએ તો, વર્ષોથી મોરબી માર્કેટિંગ યાર્ડ પર સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા અને તેમની પેનલનો મજબૂત દબદબો રહ્યો છે. બીજી તરફ, છેલ્લા બે ટર્મથી કોંગ્રેસ દ્વારા યાર્ડનો કબજો મેળવવા માટે સતત મથામણ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને જોતાં આ વખતે પણ ચૂંટણી ભારે રસાકસીભરી અને રસપ્રદ બને તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે.



