દાહોદ સબ જેલમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી:બંદીવાન ભાઈઓએ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો

તા.૨૯.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સબ જેલમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી:બંદીવાન ભાઈઓએ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો
દાહોદ સબ જેલ ખાતે માનવતા, ભાઈ-બહેનનો અદભુત સ્નેહ અને પર્યાવરણ જતનનો ત્રિવેણી સંગમ રચતી એક ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખા આયોજન દ્વારા જેલ પ્રશાસન અને બંદીવાનોએ સમાજને એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલમાં રહેલા સર્વધર્મના બંદીવાનોને રક્ષા કવચ બાંધવા માટે તેમની સગી બહેનો જેલ ખાતે આવી પહોંચી હતી. જે ભાઈઓને બહેન ન હોય, તેઓની માતાએ જેલ પર આવીને રાખડી બાંધી હતી. બહેનોએ ભાઈઓના કાંડે રક્ષા સૂત્ર બાંધી તેમના દીર્ઘાયુની કામના કરી હતી, જેના કારણે જેલનું સમગ્ર વાતાવરણ અત્યંત લાગણીસભર બની ગયું હતું અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.હાથે બનાવેલી મીઠાઈ અને વીરપસલીમાં છોડની ભેટઆ વર્ષની ઉજવણીને વધુ ખાસ બનાવવા માટે બંદીવાન ભાઈઓએ જેલની અંદર પોતાના હાથે વિશેષ મીઠાઈ તૈયાર કરી હતી. નિયમ મુજબ તહેવાર નિમિત્તે મળતી આ મીઠાઈ બંદીવાનોએ પોતે ન ખાતા, રક્ષાબંધન કરવા આવેલી પોતાની વહાલી બહેનોને પ્રેમપૂર્વક ખવડાવીને ભાઈ-બહેનના નિઃસ્વાર્થ પ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત, વર્ષો જૂની ‘વીરપસલી’ની પરંપરાને આધુનિક પર્યાવરણ જતન સાથે જોડવામાં આવી હતી. બંદીવાન ભાઈઓએ રાખડી બાંધવા આવેલી બહેનોને ભેટ સ્વરૂપે વિવિધ વૃક્ષોના રોપા (છોડ) અર્પણ કર્યા હતા. આ નવતર પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભાઈ-બહેનના પ્રેમની સાથે પ્રકૃતિની રક્ષા કરવાનો અને સમાજમાં વધુને વધુ વૃક્ષો વાવવાનો સંદેશ પહોંચાડવાનો હતો.જેલ અધિક્ષકનું નિવેદનઆ અનોખી પહેલ અંગે માહિતી આપતા દાહોદ સબ જેલના જેલ અધિક્ષક શ્રી એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે, “જેલના નિયમો અનુસાર વિવિધ તહેવારો પર બંદીવાનોને મીઠાઈ આપવામાં આવતી હોય છે. પરંતુ આ રક્ષાબંધને બંદીવાનોએ જાતે જ મીઠાઈ તૈયાર કરીને પોતાની બહેનોને ખવડાવી પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેની સાથે જ બહેનોને વૃક્ષના રોપા ભેટમાં આપીને પર્યાવરણ બચાવવાનો જે સુંદર સંદેશ આપ્યો છે તે ખરેખર પ્રેરણાદાયી છે.”આ પવિત્ર તહેવારની ઉજવણીના માધ્યમથી જેલના બંદીવાનોમાં પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારી અને સામાજિક ચેતનાની ભાવના વધુ દ્રઢ બની હતી. “ભાઈ-બહેનનો સ્નેહ અને પ્રકૃતિનું જતન” એ બંને ઉમદા વિચારોને સાર્થક કરતી આ ઉજવણી સૌ કોઈ માટે દીવાદાંડી સમાન બની રહી હતી.



