દ્વારકાના ખંભાળિયામાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવીના અચોક્કસ મુદતના ધરણામાં બીજા દિવસે પણ હજારો ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડ્યા

દ્વારકા : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી જામખંભાળિયા ખાતે અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા એનો આજે બીજો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે ઈસુદાન ગઢવી ધરણા પર બેઠા હતા અને એમની સાથે સાથે હજારોથી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. હાલ સરકારે બે જિલ્લામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે, જેને આ સત્યાગ્રહની એક આંશિક જીત કહી શકાય એમ છે. જેના કારણે આશા રાખવામાં આવે છે કે આવનારા સમયમાં સરકાર તમામ માંગો પુરી કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય હેમંત ખવા, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયા અને મહિલા નેતા જીગીશા પટેલ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓએ એકસૂરે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને અછતગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી.
ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું તો ખેડૂતો માટે પ્રાર્થના કરી શકું છું, માથું નમાવી શકું છું અને તમારા પગે પણ પડી શકું છું. અને જો એનાથી પણ કામ ન થાય તો જેમ સરકાર કરે છે તેમ તમે સામ, દામ, દંડ, ભેદ પણ કરી શકો છો અને અમે પણ કરી શકીએ છીએ. જે દિવસે સમય આવશે તે દિવસે ખેડૂતોને પીડાવતા અધિકારીઓને છોડવામાં નહીં આવે. દ્વારકાધીશને સાક્ષી રાખીને કહું છું કે આજે નહીં તો કાલે, દસ વર્ષ પછી પણ સત્તા આવશે ત્યારે ખેડૂતોનો બદલો ન લઉં તો હું ઈસુદાન ગઢવી નહોતો સમજી લેજો. ખેડૂતોને તેમનો હક આપવો જ પડશે, નહીં તો સુકાન છીનવાઈ જશે. અત્યારે તો લોકો ધંધા-રોજગારમાં પડ્યા છે, પણ જે દિવસે સામાન્ય લોકો અને એક લાખ ખેડૂતો એક થઈને કંઈક કરી બતાવશે અને પોતાની તાકાત સમજશે, ત્યારે શક્યતાઓ બદલાઈ જશે. ખેડૂતોમાં જ્યારે આ ચેતના સ્વયંસ્ફુરિત આવે છે એટલા માટે જ હું આ સત્યાગ્રહ છાવણી લગાવીને બેઠો છું. આ સત્યાગ્રહ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. જે સરપંચો આજે સત્યાગ્રહમાં જોડાયા છે એમનો અને જે ઘરે બેસીને સપોર્ટ કરી રહ્યા છે એ તમામનો આભાર. સોશિયલ મીડિયા પર 1.5 કરોડથી વધારે લોકો સુધી આપણી વાત પહોંચી છે. હમણાં એક ઉદ્યોગપતિની 22,000 કરોડની લોન સામે ફક્ત 6 કરોડ ભરવાનું નક્કી કરવામાં આવ્યું, બાકી તમામ રૂપિયા માફ કરવામાં આવ્યા, આ બેંકમાં રહેલા પૈસા લોકોના છે. આજે જે બહેનો મને રાખડી બાંધવા આવી એમને કહેવા માગું છું કે જો 2022 માં અમારી સરકાર બની ગઈ હોત તો હું એલાન કરી દેત કે હું તમામ બહેનોના ખાતામાં દર મહિને 2-3 હજાર નાંખતો રહીશ. અહીંયા અમને કે ખેડૂતોને રોકવાથી કંઈ નહીં થાય, સરકાર દુષ્કાળ જાહેર કરે. તમારે તમારી આત્માને જગાડવી પડશે. મારે તમને કહેવું છે કે કંપનીઓ થોડા દિવસોમાં દાવા દેખાડી દે છે, ત્યારે કઈ રાજનીતિ ન કરો. મહામંથનમાં ખેડૂતોનો અવાજ ઉઠાવતો હતો, ત્યારે પણ હું રાજનીતિ નહોતો કરતો અને અત્યારે પણ રાજનીતિ નથી કરી રહ્યો. જે દિવસે ચૂંટણી આવશે ત્યારે આપણે મેદાનમાં છીએ અને ત્યારે જોઈ લેશું સામેસામે, એની બહુ ચિંતા કરો નહીં. પણ આજે આ ચૂંટણીનું મેદાન નથી ખેડૂતોની પીડાનું મેદાન છે! એના પર ક્યારેય કોઈની ખરાબ દૃષ્ટિ ન હોવી જોઈએ. મને કાલે પણ ઘણા પોલીસ અધિકારીઓ રોકતા હતા અને મેણા મારતા હતા, પણ આ લોકો સમજે કે આ તો ખેડૂતોનું કામ છે. જે પણ કલાકારો ખેડૂતોના આ સત્યાગ્રહમાં સહયોગ આપવા માંગતા હોય તેઓ અહીંયા પધારે, કારણ કે મારી ઈચ્છા છે કે દેવભૂમિ દ્વારકાના લોકો સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આ સત્યાગ્રહનો બીજો દિવસ છે. બીજા દિવસે દૂર-દૂરથી આપણા વડીલો, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. જેમણે આ આંદોલનના નેતાઓને આશરો આપ્યો અને આશીર્વાદ આપ્યા છે, તેમને હું વંદન કરું છું. આપણા માટે આ ખૂબ લાંબી લડાઈ છે અને આ લડાઈ આપણે શરૂઆતથી લઈને અંત સુધી એકસાથે લડવાની છે. જ્યાં સુધી સરકાર આપણી ચારેય માંગણીઓ ન સ્વીકારે, ત્યાં સુધી આપણી આ લડાઈ ચાલુ રહેશે. હું ઈસુદાનભાઈને વંદન અને ધન્યવાદ આપું છું કે આજે જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો ખરાબ સ્થિતિમાં અને મુશ્કેલીમાં છે, ત્યારે તેમણે આ સંવાદ શરૂ કર્યો છે. સમગ્ર ગુજરાતમાંથી આ દુષ્કાળ જાહેર કરવાની માંગણીને સમર્થન મળ્યું છે. ગઈકાલે પહેલા દિવસના અંતે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી લાખો લોકો સુધી વાત પહોંચી છે અને ગુજરાતના તમામ ખેડૂતો આજે આપણી આ માંગણી સાથે જોડાયા છે. આપ સૌ દૂર-દૂરથી આવ્યા છો. આજે સત્યાગ્રહનો બીજો દિવસ છે ત્યારે સરકારને પણ ખબર છે કે ખેડૂતોની આ સ્થિતિમાં કોઈને કોઈ પગલાં લેવાં જ પડશે. ‘ખેતી બચાવો, ખેડૂત બચાવો’ એ આપણો આગ્રહ છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે બંને જિલ્લાઓમાં ‘સૌની યોજના’નું પાણી છોડવામાં આવશે. જે પણ પાણી છોડવાની જાહેરાત થઈ છે, તે આ સત્યાગ્રહ છાવણીની અસર છે. આ આપણી માત્ર આંશિક જીત છે, આનાથી આપણે અટકવાની જરૂર નથી. આનાથી ખેડૂતો મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવી જવાના નથી. આ આંદોલન આગળ ચાલશે તો મને પૂરો વિશ્વાસ છે કે સરકારે આ અસરગ્રસ્ત જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડશે અને ખેડૂતોને તેમના અધિકારો આપવા પડશે. આપ સૌ આવ્યા છો તો વિનંતી કરું છું કે આવતીકાલે પણ સમય કાઢીને આવો અને વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય તે માટે સત્યાગ્રહ છાવણીમાં આપણી હાજરી આપીએ. સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો જ્યારે આ આંદોલન જોઈ રહ્યા છે, ત્યારે તેમને પણ વિનંતી કરું છું કે આ લડાઈ આપણા સૌની છે. આપણે સૌ સાથે મળીને લડીએ અને આ લડાઈને મજબૂત બનાવવાનું કામ કરીએ.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, કાલે વાતો કરીશ. જેલમાં શું થાય, જેલમાં શું હોય, જેલમાં કેવી પરિસ્થિતિ હોય, પરીક્ષાની હોય, માંગવાની હોય, જમવાનું કેવું હોય, દિવસો કેવા હોય એ બધી વાતો જો કાલે સમય મળશે તો ‘જેલ માંડણી’ પર કરશું. મફતમાં સાંભળવા મળશે, જેલ માંડણી માટે ચાર-ચાર મહિના ભોગવવું પડે છે. કાલે આપ સૌને નિમંત્રણ છે, તમારા ગામમાંથી બીજા પાંચ-પંદર લોકોને લેતા આવજો. મેં તમને કહ્યું એમ, ખોટા ગામના ઓટલા તોડવા એના કરતાં અહીં બધાને લેતા આવજો. અને બીજું, ઘણી વાર એવી વાતો થતી હોય છે, ઘણી વાર એવી ચર્ચાઓ થતી હોય છે કે સરકાર તો મજબૂત છે, સરકારની સામે કંઈ ન થાય, સરકારની સામે અવાજ શું ઉઠાવી શકાય? અને સરકાર બાબતે કહેતા હોય છે. એ વાત ખોટી છે. સરકાર ગમે એવી મજબૂત હોય, પણ જો તમારો મજબૂત મનસૂબો હોય તો પરિણામ મળે જ, અને એનું ઉદાહરણ આજે પૂરું પડ્યું છે. ઈસુદાનભાઈ એક દિવસ ધરણામાં બેઠા, તો એ જ દિવસે સાંજે ‘સૌની યોજના’નું પાણી છોડવાની જાહેરાત સરકારે કરવી પડી છે. આનો મતલબ એ થાય કે તમારું દિલ મજબૂત હોય, તમારી તાકાત મજબૂત હોય, તમારું જુનૂન મજબૂત હોય, તો સારી-સારી સરકારોએ પણ માનવું પડે અને સારી-સારી સરકારોએ નિર્ણયો લેવા પડે. અને એ નિર્ણય લીધો છે, એ બદલ ઈસુદાનભાઈ અને સમગ્ર નેતૃત્વમાં જે લડાઈ લડવી પડે, એ માટે મારી બધી તૈયારી છે. આવતી કાલે આપ સૌ મોટી સંખ્યામાં ફરીથી પધારજો.




