
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ઈસરી આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનિશિયનની અછતથી દર્દીઓ પરેશાન ,છેલ્લા 8 મહિનાથી લેબ ટેકનિશિયનની 3 દિવસ શામળાજી અને 3 દિવસ ઈસરી ખાતે ડેપ્યુટેશન તરીકે ફરજ સોંપી દેવામાં આવી

મેઘરજ તાલુકાના ઈસરી આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનિશિયનની અછતને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. છેલ્લા 8 મહિનાથી એક જ લેબ ટેકનિશિયનને અઠવાડિયામાં 3 દિવસ શામળાજી અને 3 દિવસ ઈસરી ખાતે ફરજ ફાળવવામાં આવી હોવાનું જણાવાયું છે.લેબ ટેકનિશિયનને સોમવાર, બુધવાર અને શુક્રવારે શામળાજી, જ્યારે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઈસરી ખાતે ફરજ સોંપવામાં આવી છે. જેના કારણે ઈસરી આરોગ્ય કેન્દ્રની લેબોરેટરી કામગીરી પર અસર પડી રહી હોવાના દર્દીઓના આક્ષેપ છે. જવાબદાર આરોગ્ય જિલ્લા અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે છતાં આ બાબત ધ્યાને ન લેતા હોય તેવો ઘાટ છે કેટલાક દર્દીઓ ને ઇમરજન્સીના કેસમા પણ ટેસ્ટ કર્યા વગર દવા લેવાની ફરજ પડે છે જેને લઇ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

ઈસરી આરોગ્ય કેન્દ્રમાં રોજની 200 થી વધુ OPD રહેતી હોવાનું જણાવાય છે. આસપાસના 50 થી વધુ ગામડાઓમાંથી દર્દીઓ સારવાર માટે ઈસરી આરોગ્ય કેન્દ્રમાં આવતા હોવાથી લેબોરેટરી ટેસ્ટ માટે પૂરતો સ્ટાફ હોવો જરૂરી છે.દર્દીઓના જરૂરી લેબોરેટરી ટેસ્ટ સમયસર થતા ન હોવાના આક્ષેપો વચ્ચે દૂરના ગામડાઓમાંથી સારવાર માટે આવતા દર્દીઓને વારંવાર ધક્કા ખાવાની નોબત આવતી હોવાની ફરિયાદો ઉઠી છે.આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો ન હોવાના આક્ષેપો છે.આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે લેબ ટેકનિશિયનની અછતને કારણે દર્દીઓને વધુ મુશ્કેલી ન પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પૂરતો લેબ સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.




