MORBI:મોરબી ટીંબડી-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી




MORBI:મોરબી ટીંબડી-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

મોરબી ઘટક-૨ના ખાખરાળા સેજા હેઠળ આવતી ટીંબડી-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે આગામી કૃષ્ણજન્મોત્સવને અનુલક્ષીને જન્માષ્ટમી અને નંદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણનું વિશેષ સ્થાન છે ત્યારે નાના ભૂલકાઓમાં સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેનો ભાવ કેળવાય તેમજ તેઓ ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને વ્યક્તિત્વથી પરિચિત થાય તે હેતુથી આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓ ઉત્સાહભેર રાધા-કૃષ્ણના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. બાળકોએ રાધા અને કાનુડાના સ્વરૂપમાં સૌનું મન મોહી લીધું હતું.
આ પ્રસંગે ખાસ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ ઉત્સાહપૂર્વક મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. બાળકોએ કાનુડાના બાળસ્વરૂપને પોતાના અંદાજમાં રજૂ કરતાં ઉપસ્થિત સૌમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઉજવણી દરમિયાન બાળકોને જન્માષ્ટમી પર્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પરંપરાગત તહેવારોની ઉજવણી થકી બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, લોકપરંપરા અને તહેવારો પ્રત્યે રસ તથા સંસ્કારનું સિંચન થાય તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીંબડી-૨ આંગણવાડી કેન્દ્રના કાર્યકર દિવ્યાબેન તથા હેલ્પર વંદનાબેને જહેમત ઉઠાવી હતી. તેમના માર્ગદર્શન અને આયોજનથી આંગણવાડીના ભૂલકાઓ માટે જન્માષ્ટમીની ઉજવણી યાદગાર બની હતી. બાળકોએ રાધા-કૃષ્ણના વેશમાં મટકી ફોડ સહિતની પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતાં સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસભેર સંપન્ન થયો હતો.



