સણવાળ PHC ખાતે લેબોરેટરી ટેસ્ટ માટે ગયેલા દંપતી પર હુમલાનો આક્ષેપ, ગર્ભવતી મહિલાને માર માર્યાની ફરિયાદ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
વજિયાસરા ગામની એક મહિલાએ સણવાળ પી.એચ.સી. ખાતે લેબોરેટરી ટેસ્ટ માટે ગયેલા પોતાના પતિ સાથે જાતિવાચક શબ્દો બોલી હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મહિલાના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટનામાં તેમને અને તેમના પતિને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો તેમજ મહિલા ગર્ભવતી હોવા છતાં પેટમાં લાત મારવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહિલાના જણાવ્યા અનુસાર, તેઓ અને તેમના પતિ સણવાળ પી.એચ.સી. ખાતે લેબોરેટરી ટેસ્ટ માટે ગયા હતા. તે સમયે હોસ્પિટલ બંધ હોવાનું જણાવાયું હતું. બાદમાં તેઓ ત્યાંથી નીકળ્યા બાદ મેવાભાઈ દેસાઈ સહિતના વ્યક્તિઓએ તેમના પતિ સાથે ઝઘડો કરી જાતિવાચક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ, તેમના પતિને લાકડીથી માર મારવામાં આવતા તેઓ ત્યાંથી પત્નીને લઈને નીકળી ગયા હતા. જોકે સણવાળ અને વજિયાસરા વચ્ચેના રસ્તા પર ફરીથી તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સંબંધીઓ પણ ત્યાં પહોંચ્યા હતા.
મહિલાએ આક્ષેપ કર્યો છે કે બાદમાં વસરામભાઈ, મેવાભાઈ અને મગનભાઈ સહિત ત્રણ વ્યક્તિઓએ તેમના પરિવારજનો સાથે મારામારી કરી હતી. મહિલાના જણાવ્યા મુજબ, તેમને માથામાં લાકડીનો ઘા મારવામાં આવ્યો હતો તેમજ ગર્ભાવસ્થા હોવા છતાં પેટમાં લાત મારવામાં આવી હતી. હુમલા દરમિયાન જાતિવાચક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે.
ઘટના બાદ મહિલા બેભાન જેવી સ્થિતિમાં પડી ગઈ હોવાનું જણાવાયું છે. ત્યારબાદ તેઓ પોતાના સંબંધીઓના ઘરે આશરો લેવા ગયા હતા. મહિલાએ તંત્ર અને પોલીસ સમક્ષ આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરિયાદી મહિલાએ જણાવ્યું છે કે, તેમની સાથે થયેલી ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે આવી ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે.




